કપરાકાળમાં કરદાતાઓને મોટી રાહત
આઈ.ટી. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
ફોર્મ-16 જાહેર કરવાની સમય મર્યાદાને 15 જૂલાઈ 2021 સુધી લંબાવી
કેન્દ્ર સરકારે ગુરૂવારના રોજ કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ સાથે જ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કંપનીઓ માટે આઈ.ટી.આર. ફાઈલ કરવાની ડેડલાઈનને નવેમ્બર 30 સુધી લંબાવી દીધી છે. સીબીડીટી તરફથી જાહેર કરાયેલા સર્કુલરમાં કહેવાયુ છે કે, મહામારીની વિકટ પરિસ્થિતીને જોતા ટેક્સપેયર્સ માટે સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.
ઈન્કમ ટેક્સના હાલના નિયમ અનુસાર આઇટીઆર-૧ અથવા આઇટીઆર-૪ ફોર્મ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરનારા એવા કરદાતાને 31 જૂલાઈ સુધી રિટર્ન ભરવાનુ હોય છે. જેના અકાઉન્ટ ઓડિટ કરવા જરૂરી નથી હોતા. બીજી બાજૂ કંપનીઓ અને ફર્મને 31 ઓક્ટોબર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય છે. જેમના અકાઉન્ટનું ઓડિટ કરવુ જરૂરી હોય છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કહ્યુ છે કે, કર્મચારીઓ માટે ફોર્મ 16 જાહેર કરવાની સમય મર્યાદાને 15 જૂલાઈ 2021 સુધી લંબાવી દીધુ છે. આ સાથે ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની મર્યાદા 31 ઓક્ટોબર અને ટ્રાંસફર પ્રાઈસિંગ સર્ટિફિકેટ રજૂ કરવાની ડેડલાઈન 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. લંબિત અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે સમય સીમા લંબાવીને 31 જાન્યુઆરી 2020 કરી દેવામાં આવી છે.