માદરે વતન ધ્રોલ ખાતે રાઘવજીભાઈને આવકારવા લોકોની ભીડ
જામનગર, ધ્રોલ, કાલાવડ પંથકના અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા કૃષિ મંત્રી પટેલ
જમીનનું ધોવાણ, પાકનું ધોવાણ, મકાનોને નુકશાન વગેરે નુકશાની અંગે સર્વે કરી મહત્તમ લાભ લોકોને મળે તેવા સરકારના પ્રયાસો: રાઘવજીભાઈ
ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મંત્રી મંડળમાં કૃષિ વિભાગનો હવાલો સંભાળ્યા બાદ પ્રથમ વખત માદરે વતન ધ્રોલ ખાતે ગઈકાલે આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં શુભેચ્છકો, રાજકીય નેતાઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી મંત્રી રાઘવજીભાઈને અદકેરો આવકાર આપ્યો હતો.
ધ્રોલના માર્કેટીંગ યાર્ડ ખાતે મોડી રાત્રે સન્માન-ડે સમારોહ નહીં પરંતુ સર્વે સાથે અત્મિયતાની મુલાકાત કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સૌનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ મારૂ વતન છે અને મને સૌનો ખુબજ સહયોગ મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ મારી પુરેપુરી કદર કરી છે અને ભગવાને મને આ સેવા કરવાની એક અમુલ્ય તક આપી છે. અહીં પણ મારી ઓફિસ છે, ઘર છે.
જેથી ખેડૂતો કે અન્ય વ્યક્તિના કોઈપણ સ્થાનિક પ્રશ્ર્નો હોય તો તે વિના સંકોચે ગમે ત્યારે મારી ઓફિસ કે ઘરે આવી શકે છે અને ગાંધીનગરનું કંઈ કામ હોય તો પધારો મને સરકારે બંગલો આપ્યો છે અને મારા મહેમાન બનજો કોઈપણ પક્ષાપક્ષી વગર દરેકે વ્યક્તિઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે હું પુરેપુરો પ્રયત્ન કરીશ અને રૂબરૂ ન આવી શકાય તો મારા ઘરે-ઓફિસે ફોન અથવા મોબાઈલ નંબર પર ગમે ત્યારે પણ સંપર્ક કરી શકો છો. કારણ કે સૌ મારા છે અને હું સૌનો છું, અને ધ્રોલના વિકાસમાં હું કાયમ સાથે રહ્યો છું અને રહીશ, અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક ધોવાણ, જમીનનું ધોવાણ કે મકાનોમાં થયેલ નુકશાનના સર્વે બાદ નિયમ મુજબ બધાને લાભ મળે તે માટે મારા પુરતા પ્રયાસો રહેશે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘજીભાઈ પટેલને ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં કૃષિ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળતા માદરે વતન ધ્રોલ સહિત સમગ્ર જિલ્લા ભાજપમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. કોઈપણ જ્ઞાતિ-જાતિના લોકોને પક્ષા-પક્ષીથી દૂર રહી સેવા કરવાની તક ઝડપી શકય તેટલા મદદરૂપ થવાની નેમ કાયમ જાળવનાર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર, ધ્રોલ, કાલાવડ પંથકના રામપર, મોટી બાણુગાર, ખીમરાણા બાડા, નેવી મોડા આલિયા, મોડા, બેરાજા, પસાયા, ધુતારપર, ધુડશીયા, કાલાવડ, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, વાગડીયા, નાધુના, ક્રોજ ગામોની મુલાકાત લઈ લોકોની રજૂઆત પરત્વે જણાવ્યું હતું કે, સતાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્ર્નોને વાચા તેમજ યોગ્ય ન્યાય આપવા પુરતો પ્રયત્ન કરાશે. સરકાર અસરગ્રસ્તોની સાથે જ છે અને તે બાબતે મહત્તમ લાભો લોકો સુધી પહોંચે તેવું આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે. ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલને આવકાર શુભેચ્છા મુલાકાત વેળાએ ઉપસ્થિત વિશાળ જનમેદની સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા, શિ.સમિતિ ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ નવલભાઈ મુંગરા, નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, શહેર પ્રમુખ સમીરભાઈ શુકલ, તા.પં.પ્રમુખ પોલુભા જાડેજા, ભરતભાઈ દલસાણીયા, ભીમજીભાઈ મકવાણા, રસીકભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, ધ્રોલ તા.પં. ઉપપ્રમુખ જયંતિભાઈ કગથરા, મનસુખભાઈ ચભાડીયા, મગનભાઈ ભોજાણી, બાબભા ચુડાસમા, પ્રધ્યુમનસિંહ જાડેજા, દેવાણંદભાઈ જીલરીયા સહિત માર્કેટીંગ યાર્ડ, નગરપાલિકા, તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારો, કાર્યકરો વગેરેએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
મારા મહેમાન બનો: કૃષિમંત્રી
તારા આંગણીયા પુછીને જે કોઈ આવે, એને આવકારો મીઠો આપજે… કવી ‘કાગ’ બાપુની આ પંક્તિને વેરાલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સરકારે મને બંગલો આપ્યો છે. આપ ત્યાં આવો અને મારા મહેમાન બનો.