વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી સાત દિવસ સુધી બપોરે ૩ થી ૭ સુધી ઉપદેશાત્મક કથાનું રસપાન કરાવશે: રવિવારે બપોરે ભવ્ય શોભાયાત્રા
વ્રજની ઝાંખી કરાવતી દર્શનીય પ્રદર્શની આગંતુક ભાવિકોનું આકર્ષણ બની રહેશે
સેવા સમર્પિત વૈષ્ણવ સંસ્થાઓ, દાસીજીવણ સત્સંગ મંડળ અને વૈષ્ણવ સંઘનું અનોખુ આયોજન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પરમ વૈષ્ણવ શ્રેષ્ઠિઓના સહયોગથી રાજકોટની વૈષ્ણવ સેવા સંસ્થાઓ, દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના ઉપક્રમે રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તમામ સુવિધાઓ સાથેના વિશાળ કથા કોમમાં રવિવાર તા.૧૫ ડિસેમ્બરથી શનિવાર તા.૨૧ ડિસેમ્બર સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતા જ્ઞાનયજ્ઞના આ સાત દિવસ દરમ્યાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી કડી-અમદાવાદના વૈષ્ણવચાર્ય પૂ. દ્વારકેશ લાલજી મહોદયથી ભગવદ્ ગીતાની કથાનું ઉપદેશાત્મક રસપાન કરાવશે.
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રની વૈષ્ણવ સૃષ્ટિ માટે અલભ્ય એવા આ જ્ઞાનયજ્ઞના સાત દિવસ દરમ્યાનના અન્ય કાર્યક્રમોની વિગતો આપતા આ આયોજનના પ્રચાર તંત્ર ઈન્ચાર્જ, રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, કથાના પ્રથમ દિવસ રવિવારે બપોરે કથા સ્થળેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે શહેરનાં રાજમાર્ગો પર વાજતે ગાજતે ફરીને ભાવિક નગરજનોને કથાશ્રવણનો લાભ લેવા સંદેશો આપશે. આ શોભાયાત્રામાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી સહિત વિવિધ ક્ષેત્રનાં વૈષ્ણવ મહાજનો રમેશભાઈ ધડુક, સૂર્યાકાંતભાઈ વડગામા, અરવિંદભાઈ ગજજર, અલ્પેશભાઈ ખંભાયતા, વિઠ્ઠલભાઈ ધડુક, નરેન્દ્રભાઈ ભાલારા, ભાસ્કરભાઈ સોની, પોપટભાઈ ભાલારા, નેમિષભાઈ પટેલ, રમણીકભાઈ પાટણવાડીયા અશ્ર્વીનભાઈ વડગામા, ચૈતન્યભાઈ સાયાણી, બાબુભાઈ ત્રિવેદી સહિત શહેરનો વિશાળ વૈષ્ણવ સમુદાય શોભાયાત્રામાં સામેલ થશે મોટી સંખ્યામાં જોડાનાર કળશધારી બહેનો પ્રેક્ષકોનું આકર્ષણ બની રહેશે. સાત દિવસના ગીતા જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગો તથા રાત્રી પ્રસંગોની વિગતો આપતાં ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, કથાના પ્રથમ દિવસે સત્ધરાનો મનોરથ, દ્વિતિય દિને કેસરીધરાનો મનોરથ, તૃતિયદિને રંગ મહેલનો મનોરથ, ચતુર્થદિને પલના નંદમહોત્સવ, પાંચમા દિવસે વિવાહખેલ મનોરથ, છઠ્ઠા દિવસે જલેબી મનોરથ અને સાતમા દિવસે વિશ્રામધારે કુનવારાનો મનોરથ આ તમામ મનોરથો કથા મંડપમાં ધામધૂમપૂર્વક ઉજવાશે તથા તૃતીયદિન મંગળવારે અને પાંચમા દિવસ ગૂરૂવારે રાત્રે ૯ વાગ્યેથી રાસોત્સવ યોજાશે.
શહેર સહિત સૌરાષ્ટ્રમાંથી કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો પધારવાના હોય તેઓની વ્યવસ્થા અને સુવિધ્ધા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
જેમાં વૈષ્ણવ સેવકો ખડે પગે સેવાઓ આપશે. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા રાજકોટની સેવા સમર્પિત સંસ્થાઓ દ્વારકેશ ગ્રુપ, શ્રીજી ગૌશાળા, ગોંડલ ગ્રુપ તેમજ કોર્પોરેટ ગ્રુપમાં બાનલેબ, સનફોર્જ, પામગ્રુપ, ફાલ્કનગ્રુપ, મિલન જવેલર્સ, રઘુવીર કોટન, બેકબોન ગ્રુપ, યુ.વી.કલબ, કિશન ફાઈનાન્સ વગેરે ઉદ્યોગ જગતનો પણ સહયોગ સાંપડયો છે.