‘ટીમ ઈન્દ્રનીલ ફોર યુ’ની સાયકલયાત્રાનું કાગવડ, વીરપુર અને ગોંડલમાં અદકેરું સ્વાગત: સત્યના સાથી બનાવવા એક સુર ઉઠયો
લોકશાહી લોકજાગરણ માટે નીકળેલી ‘ટીમ ઈન્દ્રનીલ ફોર યુ’ની સાયકલ યાત્રાનું ગામેગામ ભવ્ય સ્વાગત થયા બાદ જેતપુરથી કાગવડ અને વીરપુરમાં અદભુત સમર્થન મળ્યું હતું. લોકશાહીનું જતન કરવા લોકશાહીને વધુ મજબુત બનાવવા અને મહાત્મા ગાંધીજીના વિચારોને ઉજાગર કરવા માટે સાયકલ યાત્રિકો કાગવડ મુકામે માં ખોડલના દર્શન, પુજા-અર્ચના કાર્ય કર્યા હતા. તેમજ વીરપુરમાં જલારામબાપાના દર્શનનો લાભ લીધો હતો.
તેમજ ગોંડલ ખાતે યોજાયેલી સભામાં ઈન્દ્રનીલભાઈ રાજગુરુએ કહ્યું હતું કે સાચા અને સારા વ્યકિત માટે રાજકારણ સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે પરંતુ ચુંટાયેલા લોકો માત્ર ને માત્ર પોતાનું ભલુ કરતા મેં જોયા છે. સામાન્ય આમ આદમી માટે કામ કરતા જ નથી તેનું દુ:ખ છે. ઈન્દ્રનીલ રાજગુરુએ ગોંડલની જનતાને સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે સત્યની સાથે ચાલતો હોય સાચા અને સારી વ્યકિત રાજકારણમાં પ્રવેશ કરે તે આવકારદાયક છે.
સમાજના ઉત્કર્ષ માટે સારા માણસની જરૂર છે પણ સાચા અને સારા ઉમેદવારને મત આપવાની જવાબદારી પણ સમાજની છે. ખોટા અને ખરાબ માણસોને વિધાનસભામાં મોકલવાની સમાજે કયારેય ભુલ કરવી જોઈએ નહીં. નાના, ગરીબ, મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે સમાજ તરફથી યોગ્ય વ્યકિતને મત આપવો જોઈએ. ચુંટણી જીતાડવી જોઈએ. તેમજ વીરપુરમાં સભા યોજાઈ હતી. આ સભામાં વિપુલભાઈ ધડુક, તથા ટીમ ઈન્દ્રનીલ ફોર યુના મેમ્બરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
સાયકલ યાત્રાનું સાંજે સમાપન: દેવેન્દ્રભાઈ દેસાઈ અને ઈન્દ્રનીલભાઈ રાજયગુરુનો લોકો સાથે સંવાદ
લોકશાહી લોકજાગરણ સાયકલયાત્રાનું રાજકોટમાં સાંજે સમાપન કાર્યક્રમ યોજાશે. દેવેન્દ્રભાઈ દેસાઈ અને ઈન્દ્રનીલભાઈ રાજગુરુ લોકો સાથે સીધો સંવાદ કરશે. આ ડીબેટ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. લોકશાહી લોકજાગરણ માટે પોરબંદર કિર્તીમંદિરથી લઈ રાજકોટના ક.બા.ગાંધીના ડેલા સુધી સાયકલ યાત્રા યોજાઈ હતી.
પોરબંદરથી રાજકોટ સુધીમાં ગામેગામ સાયકલ યાત્રાનું સ્વાગત થયું હતું. લોકશાહીના મુલ્યોની વાત થઈ હતી. ગાંધીજીના વિચાર અને વિરલ વ્યકિતત્વની વાત લોકો સમક્ષ રજુ કરવામાં આવી હતી અને હવે સાંજે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે સાયકલ યાત્રાના કાર્યક્રમનું સમાપન કરાશે. આ પ્રસંગે દેવેન્દ્રભાઈ દેસાઈની ખાસ ઉપસ્થિતિ રહેશે. ઈન્દ્રનીલભાઈ રાજગુરુ અને દેવેન્દ્રભાઈ દેસાઈ લોકો સાથે સંવાદ કરશે.