વિંછીયાના મોઢુકા ગામે કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના મોઢુકા ગામ ખાતે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નિર્માણ પામનાર ગુજરાત રાજ્યના સૌથી અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાનું નિરીક્ષણ કરીને ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રી કુંવરજીભાઈબાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજ્યસરકાર કટિબધ્ધ છે. અહીં નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવિધાની દ્રષ્ટિએ ગુજરાતના અમૂલ્ય ઘરેણાં સમાન બની રહેશે. ટૂંક સમયમાં જ અમરાપુર ખાતે નવું આરોગ્ય કેન્દ્ર કાર્યરત થશે. કોરોનાના સંક્રમણને ટાળવા લોકો પોતાની સામાજીક જવાબદારી નિભાવે, માસ્ક-હેન્ડ સેનેટાઈઝરનો પૂરતો ઉપયોગ કરે તથા સારા-માઠા સામાજીક પ્રસંગોમાં ભાગ લેવામાં પુરતું ધ્યાન રાખે, તે ખૂબ જરૂરી છે. કોરોના વાયરસની આ મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાનું અને પોતાના પરિવારનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા મંત્રીએ ઉપસ્થિતોને ખાસ જણાવ્યું હતું. ૭ હજારથી વધુની વસ્તી ધરાવતુ વીંછીયા તાલુકાનું મોઢુકા ગામ વેપાર-ધંધાનંય મહત્વનું કેન્દ્ર છે. આ તાલુકાના ૪૬ ગામો પૈકી ૩૬ જેટલા ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. રૂ. ૧૧૦ લાખના ખર્ચે મોઢુકામાં બનનારૂં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્ર હશે, જે ત્રણ માળની સુવિધાસહિત લીફ્ટની સગવડ ધરાવતું કેન્દ્ર બનશે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સીધો લાભ અંદાજીત ૧૦ ગામોના ૩૦ હજાર લોકોને મળશે જેમાં મોઢુકા, સોમ પીપળીયા,પાટીયાળી, સરતાનપર, બંધાળી, બેડલા, વેરાવળ, જનડા, કંધેવાડીયા,સોમલપરસહિતના ગામોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રમાં એક મેડીકલ ઓફીસર અનેએક આયુર્વેદીક મેડીકલ ઓફિસર ફરજ બજાવશે. સ્ત્રીઓને ઘરઆંગણે જ પ્રસૂતિની સુવિધા મળતાં અન્યત્ર જવું નહી પડે. મહિલા અને બાળ આરોગ્યનું પુરતું ધ્યાન રાખવામાં આ કેન્દ્ર સહાયરૂપ સાબિત થશે.