છેલ્લા થોડાક વર્ષોમાં દેશમાં શિક્ષણનો વ્યાપ થયો છે. સરકાર દ્વારા પણ અલગ અલગ અભિયાન શરૂ કરી ભણતરનો મહિમા સમજાવાયો છે જેના પગલે સાક્ષરોનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેતી એ માત્ર શારીરિક શ્રમનું કામ છે એમાં ભણતરની કોઈ આવશ્યકતા નથી એવી એક જડ માન્યતા પહેલાંના સમયમાં હતી. એ વખતે બાળમજૂરી પર પ્રતિબંધ જેવા પણ કોઈ કાયદા ન હોવાથી નાનપણથી જ બાળક પોતાના ખેતરમાં કામે લાગી જતો.
ધીમે ધીમે સમય બદલાયો, ભણતરનું મહત્વ વધ્યું, ખેતી એ વડીલોનો વ્યવસાય બની ગયો. ગામડાઓમાં ખેતી સિવાયના વેપાર ધંધાની ઓછી તકને હિસાબે યુવાવર્ગ લગભગ ઉચાળા ભરી શહેર તરફ નીકળી ગયો. અને શહેરની આછી પાતળી નોકરી માટે પણ શિક્ષણ જરૂરી બન્યું. આમ શિક્ષણનો ફેલાવો થયો. ધીમે ધીમે ગામડાઓમાં પણ પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થઈ સાથોસાથ સ્ત્રી શિક્ષણનો પણ પ્રચાર અને પ્રસાર થયો ને આ રીતે એક શિક્ષિત યુગની શરૂઆત થઈ.
એ પછી શરૂ થયો ટેક્નોલોજીનો યુગ. સંપૂર્ણ શિક્ષણ પર આધારિત આ યુગમાં ખેતી જેવા ધંધા પણ આધુનિક ટેકનોલોજી અને શિક્ષણથી વિકસાવાયા. ટેકનોલોજીના વિકાસ સાથે દેશના વિકાસને પણ વેગ મળ્યો. વ્યાપાર ધંધાનો વ્યાપ વધ્યો સરવાળે માણસની રહેણીકરણી બદલાઈ અને જીવનશૈલીનું સ્તર ઉંચુ આવ્યું. આ બધા જ ટેક્નોલોજીના જમા પાસા સામે એક સૌથી મોટું અને મહત્વનું ઉધાર પાસુ એ છે ટેલિવિઝન અને મોબાઈલના આ યુગમાં પુસ્તક ક્યાંક કોરાણે થઈ ગયું.
વાંચન એ દરેક યુગમાં દરેક ઉંમરને જીવવાનું બળ પૂરું પાડતું ઉત્તમ ઇંધણ છે. આપણાં ધર્મગ્રંથોમાં પણ વાંચનનો મહિમા દર્શાવ્યો છે. આપણે જાણીએ છીએ કે અભિમન્યુએ સાત કોઠાનું જ્ઞાન માતાના ઉદરમાંથી જ મેળવેલું. એ સમયમાં રાણીઓ ગર્ભાવસ્થા દરમ્યાન શૂરવીરતા અને ધર્મનું જ્ઞાન આપતા પુસ્તકોનું વાંચન કરતી.
ટેલિવિઝન આવતાંની સાથે પુસ્તકોની માંગ ઘટી છતાં કોઈ એક વર્ગ પુસ્તક વાંચતો જોવા મળતો પરંતુ મોબાઇલફોન આવતાં અને ઇન્ટરનેટનો વપરાશ વધતાં વાંચન આઉટડેટેડ લાગવા લાગ્યું. જો કે યુવાવર્ગ એવો પણ બચાવ કરે છે છે કે આજકાલ ’ઇ-બુક્સ’નો જમાનો છે અને અમે યુવાનો મોબાઈલમાં વાંચીએ જ છીએ. પરંતુ પુસ્તક એ માત્ર જ્ઞાન વધારવા માટે જ નથી, એ એક સાચો મિત્ર છે, દરેક સમસ્યાનું હાથવગું સમાધાન છે. પુસ્તક એક જ એવી વસ્તુ છે જે એકલતાને હર્યુંભર્યું બનાવી દે છે.
પુસ્તક વાંચવાથી નોલેજ મળવા સાથે એકાગ્રતા વધે છે . મનને શાંતિ મળે છે જીવનમાં આવતી દરેક સમસ્યાઓના સમાધાન પુસ્તકમાંથી મળે છે. જુના સમયમાં પરિવાર બહોળો હોવાના કારણે સમસ્યાઓની પરિવારજનો સાથે ચર્ચા કરી હલ મેળવી શકાતા, જ્યારે આજે ટૂંકા પરિવારના કારણે માણસ પોતાની સમસ્યા કોઈ સાથે વહેંચી નથી શકતો. પોતાની સમસ્યાઓના હલ શોધવાની મથામણમાં અંતે માણસ માનસીકરોગનો શિકાર બને છે. પુસ્તક એ આવા અસાધ્ય રોગોની ઉત્તમ દવા છે.
કલાકો સુધી લાયબ્રેરીમાં બેસીને અવનવા પુસ્તકો વાંચતા યુવાનો અને વડીલોનો યુગ જાણે કે આથમી ગયો. દરેક માતાપિતાએ એમના સંતાનોમાં બાલ્યકાળથીજ વાંચની આદત પાડવી જોઈએ. અણસમજુ બાળકને પણ આકર્ષક રંગો અને ચિત્રો વાળું પુસ્તક આપીને સૌપ્રથમ એને પુસ્તકને જોવા માટે આકર્ષિત કરવું જોઈએ. ધીમે ધીમે સમજતા થતા બાળકને પુસ્તકનો મહિમા સમજાવવો જોઈએ.ચિત્રવાર્તાઓથી વાંચનની શરૂઆત કરાવી બાળકને પુસ્તકની આદત પાડવી એ પેરેન્ટ્સના હાથમાં જ છે.
આપણે એ પણ જાણીએ છીએ કે બાળકમાં સૌથી વધુ અનુકરણવૃત્તિ હોય છે. માતાપિતાની દરેક હરકતોનું એ બારીકાઈથી અવલોકન કરતું હોય છે અને પછી એ પ્રમાણે વર્તતું હોય છે, તો માતાપિતાએ બાળક માટે અભ્યાસક્રમ સિવાયના પુસ્તકનો વાંચન સમય નિશ્ચિત કરી એ સમયે પોતે પણ એમની સાથે વાંચન કરવું જરૂરી છે. પ્રવાસમાં જતી વખતે પણ બાળકના સામાન સાથે એક પુસ્તક અવશ્ય મૂકવું જોઈએ. આજકાલ દરેક ઘરમાં ઘરની તમામ વ્યક્તિ બેઠકખંડમાં સાથે બેસીને પોતપોતાના મોબાઇલફોન પર એક્ટિવ હોય એ દ્રશ્ય જોવા મળતું હોય છે. વાંચન એક જ વસ્તુ એવી છે કે જેનો શોખ એ આદત,વળગણ અને પછી વ્યસન બને ત્યારે માણસનો સર્વાંગી વિકાસ થાય છે.
પુસ્તકનો નશો એ જીવનની ઉત્તમ અવસ્થા છે. પુસ્તકથી ભાગી રહેલું યુવાધન અભ્યાસક્રમમાંથી ભણતરની પરીક્ષા પાસ કરવાનું શિક્ષણતો મેળવશે પણ જીવનની પરીક્ષાઓ પાસ કરવાના જ્ઞાનથી વંચિત રહી જાય છે પરિણામે ડિપ્રેશન અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. ૧૦-૧૨ વર્ષના બાળકમાં પણ ડિપ્રેશનની બીમારી જોવા મળે છે. માતાપિતા પોતાના બાળક માટે કાઉન્સેલિંગ જેવી ટ્રીટમેન્ટ પાછળ સમય,શક્તિ અને નાણાં બધુજ ખર્ચે છે પરંતુ દરેક બાળકનું કોઈ ઉત્તમ કાઉન્સિલર હોય તો એ એમના પેરેન્ટસ છે.
બાળકને વધુ સમય આપી એને સારી રીતે જાણી શકનાર માતાપિતાને આવા કોઈ કાઉન્સિલરની જરૂર નથી પડતી હોતી. પુસ્તક સૌથી ઉત્તમ કાઉન્સિલર છે. દરેક ઘરમાં કોઈ એક ખૂણો પુસ્તક માટે હોવો જ જોઈએ. પુસ્તકો એ જ્ઞાન અને સંસ્કારના ફૂલોનો બનેલો એવો ગુલદસ્તો છે કે જેના સ્પર્શ(વાંચન)થી મનુષ્યજીવનનો બાગ દરેક ઋતુ(જીવનની દરેક પરિસ્થિતિ)માં સદાય મઘમઘતો રહે છે.
અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે કેટલાય શહેરોમાં યુવાનો દ્વારા વાંચન પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. કેટલાય શહેરોમાં મોબાઈલ પુસ્તકાલય અને પુસ્તક પરબ જેવી સેવાઓ ઉપલબ્ધ છે. મોરબી ખાતે યુવા ટિમ દ્વારા સતત બે વર્ષથી આવી ન એક ’પુસ્તક પરબ’ નામે પ્રવૃત્તિ ચાલી રહી છે જેનો લાભ લેનારની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. એકસાથે ૩ પેઢી આ પરબની મુલાકાત લઈ ઉગતી પેઢીને વાંચનનો વારસો આપે છે. અનેક શહેરોમાં ચાલતી આવી પ્રવૃત્તિથી પુસ્તકો ફરી જીવતા થાય અને વાચક વધુ સમૃદ્ધ થાય એ માટે દરેક નાગરીકને આવી પ્રવૃત્તિમાં જોડાવા અપીલ છે.