સૌ.યુનિ.ના ફિઝીકલ ભવન દ્વારા કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણીની  અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની  ભવ્ય ઉજવણી કરાઈ

સૌરાષ્ટ્રની સૌથી જૂની સાયન્સ કોલેજ  એવી જુનાગઢની  બહાઉદીન  સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીઓએ સૌ.યુનિ.ના ફિઝીકલ અને નેનો સાયન્સ  ભવનની મુલાકાત લીધી

અબતક,રાજકોટ

ભારતમાં તા. 28 મી ફેબ્રુઆરી એ નોબલ પ્રાઈઝ વિજેતા સી.વી. રામને કરેલ ફીઝીકસક્ષેત્રે યોગદાન બદલ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.સૌરાષ્ટ્રની સૌથી જુની સાયન્સ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જુદી પડેલ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન એવી જુનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફીઝીકસ અને નેનોસાયન્સ ભવનની મુલાકાત લીધી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા.કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે તા. 28 મી ફેબ્રુઆરી એ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ભારતના નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક એવા સી.વી. રામને કરેલા ફીઝીકસના ક્ષેત્રમાં મહત્વના યોગદાન બદલ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે.રાષ્ટ્રીય શિક્ષા નિતિમાં ભારત અને ભારતીયતાની વાત કરવામાં આવેલ છે. આપણા દેશમાં શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા છે અને બધાના પાયામાં વિજ્ઞાન રહેલું છે. ગમ્મત સાથે મેળવેલ જ્ઞાન એ જીવનમાં ખુબ જ ઉપયોગી છે.કુલપતિ એ ભારત દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તાજેતરની વિષમ યુધ્ધની પરિસ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓને સલામત રીતે પરત લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ફીઝીકસ ભવનના વિદ્યાર્થીઓ એ એમ.એસ. યુનિવર્સિટી ખાતે યોજાએલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સીલ્વર મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.અંતમાં કુલપતિ એ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફીઝીકસ અને નેનોસાયન્સ ભવનની મુલાકાત લઈ, આ ભવનો દ્વારા કરવામાં આવતી સંશોધનની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવવા અનુરોધ કરેલ હતો.આ પ્રસંગે ભવનના અધ્યક્ષ ડો. જોશીજી, બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડો. બકોદરા, ફીઝીકસ ભવનના પ્રોફેસર ડો. નીકેશભાઈ શાહ, નેનોસાયન્સ ભવનના ડો. અશ્વિનીબેન જોશી, કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.