એલ.જી., સેમસંગ, સોની, પેનાસોનિક, લેનોવો, મોટોરોલા અને શાઓમી જેવી મોટી ઈલેકટ્રોનિક બ્રાન્ડસના ભાવ ઓનલાઈન અને ઓફલાઈન એક સરખા બની રહ્યા છે

એલજી, સેમસંગ, સોની, પેનાસોનિક, લેનોવો, મોટોરોલા અને શાઓમી જેવી મોટી ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સના ભાવ ઓનલાઇન અને ઓફલાઇન એકસરખા બની રહ્યા છે. અત્યાર સુધી ઓનલાઇન ખરીદીમાં ગ્રાહકોને તગડો ફાયદો મળતો હતો તે હવે ઘણા અંશે દૂર થયો છે. એલજી, સેમસંગ, સોની અને પેનાસોનિક જેવી બ્રાન્ડ્સે ઇ-કોમર્સ માર્કેટ પ્લેસિસ સાથે બિઝનેસ કરાર કર્યા છે જેથી તેમના સ્માર્ટફોન્સ, ટેલિવિઝન, હોમ એપ્લાયન્સિસના ભાવ અને ડિસ્કાઉન્ટમાં નિયંત્રણ હેઠળ આવ્યાં છે. શાઓમી અને લેનોવો-મોટોરોલા જેવી બ્રાન્ડ્સ અત્યાર સુધી માત્ર ઓનલાઇન વેચાણ પર ધ્યાન આપતી હતી, હવે તેમણે પણ ટ્રેડ પાર્ટનર્સ સાથે હાથ મિલાવ્યા છે જેથી ઓફલાઇન સ્ટોર્સમાં સમાન ભાવ મળશે તેમ ઉદ્યોગના સિનિયર એક્ઝિક્યુટિવ્સે કહ્યું હતું.જીએસટી લાગુ થયા બાદ તમામ કંપનીઓએ તેમની પ્રાઇસિંગ અને ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજીમાં સુધારા કર્યા છે જેથી તમામ ચેનલ્સમાં એકસરખા ભાવ જળવાય તેમ પેનાસોનિક ઇન્ડિયાના પ્રેસિડન્ટ મનીષ શર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, છેલ્લા એક વર્ષમાં ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે જે ડિસ્કાઉન્ટ આપતી હતી તેમાં ઘટાડો થયો છે. અમે માનીએ છીએ કે ઓનલાઇન ચેનલ દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ નહીં ટકે. એક કોરિયન કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે કહ્યું કે, ટોચની બ્રાન્ડ્સે તમામ ઓનલાઇન માર્કેટપ્લેસ સાથે ડાયરેક્ટ સંબંધ સ્થાપ્યા છે જેથી માર્કેટ ઓપરેટિંગ ભાવ સરખા રહે.ફ્લિપકાર્ટ જેવી અમુક કંપનીઓ હજુ એક કે બે મોડલ ઇચ્છે છે જેને તેઓ આક્રમક ડિસ્કાઉન્ટ સેલથી વેચી શકે.તેમણે કહ્યું, અમે ઓનલાઇન એક્સ્ક્લુઝિવ મોડલ્સ માટે કેટલુંક ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ગ્રાહકો હવે મોટા ભાગનાં મોડલ્સમાં એકસરખા ભાવની અપેક્ષા રાખી શકે છે. સોની ઇન્ડિયાના સેલ્સ હેડ સતીશ પદ્મનાભને કહ્યું કે કંપનીએ તમામ માર્કેટ ચેનલ્સમાં ભાવમાં સમાનતા જાળવવા નીતિ ઘડી છે. ઓનલાઇન ડિસ્કાઉન્ટ હવે મોટો પડકાર નથી. છેલ્લા કેટલાક મહિનામાં ઓનલાઇન ડિસ્કાઉન્ટમાં ઘટાડો થયો છે અને અમારા મતે ડાયરેક્ટ બિઝનેસ ટર્મ્સના કારણે તમામ ચેનલ્સમાં સમાન પ્રાઇસિંગ નહીં રહે.શાઓમી અને મોટોરોલા-લેનોવોના મોબાઇલ ફોનમાં ઓનલાઇન અને ઓફલાઇન વચ્ચે રૂ.૪૦૦થી ૧૦૦૦નો તફાવત છે જેને દૂર કરવા પ્રયાસ ચાલે છે. આ બ્રાન્ડ્સને સમજાયું છે કે તેમણે આગળ વધવું હોય તો ઓફલાઇન સ્ટોર્સ પર ધ્યાન આપવું પડશે. તેના માટે ભાવનો તફાવત દૂર કરવો પડશે.શાઓમીનાં તાજેતરનાં બે મોડલ – રેડમી નોટ ૪ અને મિ મેક્સ-૨ને ઓનલાઇન તથા ઓફલાઇન બંને જગ્યાએ લોન્ચ કરાયાં છે. આ અંગે શાઓમી અને લેનોવો-મોટોરોલાને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો. હાલમાં લગભગ ૯૨ ટકા ટીવી અને એપ્લાયન્સિસ તથા ૭૦ ટકા સ્માર્ટફોનનું વેચાણ ઓફલાઇન થાય છે તેથી બ્રાન્ડ્સ ઓનલાઇન પ્રાઇસિંગ બહુ આક્રમક ન હોય તેવું ઇચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.