નિફટીમાં પણ ૩૦ પોઈન્ટનો ઉછાળો: લોકસભાની ચૂંટણીનાં પરિણામ પહેલા જ સેન્સેકસ ૪૦ હજારની સપાટી ઓળંગે તેવી સંભાવના
લોકસભાની ચુંટણીનાં સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ દેશની અલગ-અલગ એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં એનડીએની સરકાર બનતી હોવાનો અંદાજ આપવામાં આવતા સોમવારથી ભારતીય બજારમાં ઐતિહાસિક તેજી શરૂ થવા પામી છે. આજે સતત બીજા દિવસે માર્કેટમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો અને સેન્સેકસ તથા નિફટી ઉંચકાયા હતા. ચુંટણીનાં પરીણામ પૂર્વે જ સેન્સેકસ ૪૦ હજારની સપાટી ઓળંગે તેવું દેખાઈ રહ્યું છે.
સોમવારે સેન્સેકસમાં ૧૦ વર્ષનો સૌથી મોટો ૧૪૨૧ પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. આજે સતત બીજા દિવસે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ઉંચકાયા હતા. જે રીતે સેન્સેકસ બે દિવસથી ગતિમાન છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, બે દિવસમાં જ સેન્સેકસ ૪૦ હજારની સપાટી હાંસલ કરી લેશે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૩૫ કલાકે સેન્સેકસ ૧૦૮ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૪૬૧ અને નિફટી ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧,૮૪૭ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકન ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં ૨ પૈસાનો સામાન્ય ઘટાડો વર્તાય રહ્યો છે.