કોરોના કટોકટીને લઈને સમગ્ર દેશમાં અજંપાનું વાતાવરણ છે ત્યારે ગુજરાતમાં કોરોનાની ચેઈન તૂટી તેમ રિકવરી રેટમાં સંતોષકારક રીતે વધારો થઈ રહ્યો છે. દેશ અને રાજ્યની સ્થિતિ અલગ અલગ દિશામાં જઈ રહી છે. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની ચેઈન તૂટતી જતી હોય તેમ કેસમાં ઘટાડાની સાથે સાથે રિકવરી રેટમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં નવા કેસમાં 6 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે. નજીવી ટકાવારીનો આ ઘટાડો હવે ધીમે ધીમે વધતું જાય તેવા જેવી આશા જગાવી છે. દેશમાં કોરોનાના વાયરસના સંક્રમણની બીજી લહેર કાબુમાં લેવા માટે ચાલતી મથામણ વચ્ચે પણ કેસની સંખ્યા અને સતતપણે મૃત્યુદર વધતો જાય છે. સમગ્ર દેશમાં ગભરામણ, અજંપા અને આ પરિસ્થિતિ ક્યાં સુધી આગળ વધશે તેની ચિંતા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાને મહાત આપવાનો રસ્તો હાથ લાગી ગયો હોય અને અભિયાન નિશ્ર્ચિત દિશામાં અસરકારક રીતે કોરોનાને મહાત આપવાની મંજીલ તરફ આગળ વધતું હોય તેવું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ બનતું જાય છે.
‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’નો માહોલ વધુને વધુ જામતો જાય છે. બે દિવસ પહેલા રાજ્ય સરકારે કોરોના વિરોધી આ અભિયાનને રાજ્યના દરેક ગામડાઓ સુધી લઈ જવાના સંકલ્પનો અમલ કરીને 14000 ગામમાં ગ્રામસભાને ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ નો સંકલ્પ લેવડાવી 10-10 વ્યક્તિની સમીતી અને તેનું સંકલન સીધુ જ જિલ્લા વહીવટી તંત્ર સાથે કરવાના આયોજન થકી રાજ્યના પ્રત્યેક ગામમાં પ્રત્યેક વ્યક્તિની ખેવના અને જરાપણ લક્ષણ દેખાય તેવા દર્દીઓનું તાત્કાલીક ઈલાજ, ચેકિંગની સાથે સાથે 18 વર્ષથી ઉપરના લોકો માટે શરૂ થયેલા રસીકરણ અભિયાનનો દરેક લોકો વધુને વધુ લાભ લે તેવા પ્રયાસોથી ગુજરાતમાં કોરોના અત્યારે હાંફલા લાગ્યું છે અને કોરોનાની ચેઈન તોડવાની ગુજરાતની પહેલ રાજ્યમાંથી કોરોનાને સંપૂર્ણપણે જાકારો આપવાની દિશામાં મક્કમ રીતે આગળ વધી રહી છે.
આવનાર થોડા જ સમયમાં કોરોનાની પરિસ્થિતિને લઈને ગુજરાતમાં દેશથી ચિત્ર આખુ અલગ ઉપશે અને કોરોનાના અંતનો આરંભ ગુજરાતથી જ થવાની હકીકત વાસ્તવિક રીતે સામે આવશે. સામાજીક જાગૃતિ, સરકાર અને તંત્રના સીધી લીટીના પ્રયાસો અને નિશ્ર્ચિત આયોજનના પગલે ગુજરાતમાં કોરોનાની ચેઈન તૂટી ચૂકી છે. માત્રને માત્ર સામાજીક જાગૃતિ જ નહીં તંત્રના પ્રયાસો સ્વૈચ્છિક, સામાજીક સંસ્થાઓનું સામાજીક ઉત્તરદાયિત્વના કામ જેવી કોરોનાની પરિણામદાયી લડતે પરિસ્થિતિ બદલાવી નાખી છે.
કોરોના સામેની આ લડતમાં ગુજરાતે જે પહેલ કરી છે તેના અનુકરણની સમગ્ર દેશને ફરજ પડશે. દેશ અને દુનિયામાં નવા સ્ટ્રેઈનનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે રસીકરણ અંગેની સામાજીક જાગૃતિ અને લોકોએ સ્વયંભૂ હોમ આઈસોલેશનથી કોરોનાને મહાત આપવાની જે સમજણ કેળવી છે તે સમગ્ર દેશ માટે એક આદર્શ મિશાલ બની રહેશે. ગુજરાતમાં કોરોનાની ચેઈન તૂટવાની આ પહેલ કોરોનાના અંતનો આરંભ બની રહેશે.