૫૧ ફૂટ ઉંચુ ૫૧ લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ ટેન્ટ સિટી, હાઈ માસ્ટ ટાવર, સી.સી.ટી.વી. કેમેરા, પાણી ગટરની સુવિધા, અન્નક્ષેત્રો ઉભા કરવા સહિતની કામગીરીમાં તંત્ર તેમજ સંસ્થાઓ વ્યસ્ત
જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઘુકુંભ મેળાનો દરજ્જો સરકાર દ્વારા અપાયો છે. સાથે ૧૫ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. આગામી ૨૬મીથી સંતોના નગર પ્રવેશ તેમજ ભુતનાથથી ભવનાથ આસરે સાતેક કિલોમીટર લાંબી ધર્મ યાત્રાથી મેળાની શરૂઆત થનારી છે. ૪ માર્ચ સુધી ચાલનારા આ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલ ભવનાથ તીર્થક્ષેત્રમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તીર્થ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ ઉભી કરી ૫૧ લાખ રૂદ્રાક્ષનું ૫૧ ફૂટ ઉંચુ શિવલીંગ, ટેન્ટ સિટી, ભજન અને ભોજન માટે આવતી સંસ્થાઓના સમીયાણા ગોઠવવામાં તંત્ર તેમજ સંસ્થાઓ કમરકસી રહ્યાં છે.
મીનીકુંભ તરીકે પ્રથમ વખત જાહેર કરાયેલ ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને સાંગોપાંગ પાર ઉતારવા મનપા તંત્ર દ્વારા તળેટી વિસ્તારમાં હાઈમાસ્ટ ટાવર બેરી ક્રેટીંગ, સીસીટીવી કેમેરા તેમજ ગટર સુવિધા અંગેના અનેક કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. રૂ.૧૫ કરોડની રકમ ફકત આ વર્ષના જ આયોજન માટે નહીં પણ લાંબાગાળાના આયોજન અને સુવિધાઓ માટે ખર્ચવામાં આવશે તેમ ડી.એમ.સી. એમ.કે.નંદાણીયા દ્વારા જણાવી તેમજ ઉમેર્યું છે કે, દર વર્ષના મેળા દરમિયાનની કામગીરીમાં ૩ ગણો વધારો થયો છે. મીની કુંભ મેળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી યોજાનાર હોવાનું જણાવાઈ રહ્યું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળા અંગે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભવનાથ તળેટી વિસ્તારમાં રૂપાપતન પાસે ૧૫૦ ટેન્ટ સાથેનું ટેન્ટ સિટી બાંધવાની કામગીરી ચાલી રહી છે. મેળામાં આવનાર સાધુ-સંતો સહિતના મહાનુભાવો માટે ટેન્ટ સિટીનું વિશેષ આયોજન કરાયું છે. ભારતી આશ્રમ પાસે રૂ.૫૧ લાખના ખર્ચે ૫૧ ફૂટ ઉંચા રૂદ્રાક્ષના ભવ્ય શીવલીંગ બનાવવા અંગે કામગીરી ચાલી રહી છે. મેળામાં આવનાર હજ્જારો ભાવિકો માટે અન્નક્ષેત્રો ચલાવવા તળેટી સ્થિત ગૌરક્ષ આશ્રમ સહિતના આશ્રમો તેમજ વિવિધ સ્થળોએ હંગામી ધોરણે ઉભા થનાર અન્ન ક્ષેત્રો માટે આયોજકો દ્વારા ઘી, તેલ, લોટ, ખાંડ વગેરે સામગ્રીઓના સ્ટોક મંગાવવામાં આવી રહ્યાં છે. દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર તેમજ ઉતારા રાહતદરે સીધુ-સામાન, નિ:શુલ્ક ગેસ બળતણ મેળા દરમિયાન મહત્વના ભાગ ભજવતા અન્નક્ષેત્રો અને ઉતારાને મળી રહે તે માટે ગ્રાન્ટમાં વ્યવસ્થા કરવા જ્ઞાતી, સમાજ, ટ્રસ્ટ, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ કલેકટરને રજૂઆત કરી હતી. કલેકટરે પણ આ બાબતે હકારાત્મક અભિગમ સાથે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.