દેશભરમાં અનેકગણા ભીખારીઓ રહેતા હશે પરંતુ તેમાંથી જુજ એવા ભીખારી હોય કે જેઓ પાસે સંપતિ હોય તેવી જ એક ઘટના મુંબઈ ખાતે ઘટી તેમાં ભીખારીની સંપતિ ૧૦ લાખ જેટલી સામે આવી. મુંબઈનાં દક્ષિણી ભાગમાં ગોવન્ડીમાં રહેતા ભીખારીનું જયારે મૃત્યુ નિપજયું ત્યારે તેની પાસેથી કુલ ૧૦ લાખ જેટલી સંપતિ મળી જે અકલ્પનીય છે.
મુંબઈમાં શુક્રવારે રાત્રે ટ્રેનના પાટા પાર કરતા સમયે એક વૃદ્ધ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ૮૩ વર્ષીય બિરદીચંદ આઝાદ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેના મોતની ખબર મળતાની સાથે જ પોલીસ તેના પરિવારને તેના મૃત્યુની જાણ કરવા માટે તેની ઝૂંપડપટ્ટીમાં પહોંચી હતી. પોલીસને ત્યાં કોઈ પરિવારજન તો ન મળ્યું પરંતુ ઝૂંપડપટ્ટીમાં શોધખોળ કરતા વખતે જે મળ્યું તે જોઈને પોલીસ અચંબામાં જ પડી ગઈ. પોલીસને બિરદીચંદના ઘરમાંથી એક બોરી ભરીને સિક્કા તેમજ કેટલાક એફડીના સર્ટિફિકેટ પણ મળી આવ્યા. જીઆરપી પોલીસના જણાવ્યા અનુસાર સિક્કાઓ એટલા વધારે હતા કે તેને ગણવામાં ઘણા કલાકોનો સમય લાગી ગયો. ઘરમાંથી આશરે દોઢ લાખ જેટલા રૂપિયા મળ્યા હતા.
આ ઉપરાંત બેંક એફડીના કેટલાક સર્ટિફિકેટ પણ મળ્યા જેની કુલ કિંમત ૮.૭૭ લાખ રૂપિયા થઈ છે. રાજસ્થાનના રહેવાસી બિરદીચંદ મુંબઈના ગોવંડી વિસ્તારમાં રેલવેના પાટાની નજીક રહેતા હતા અને તેઓ રેલવે સ્ટેશન પર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેથી કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમણે આટલા બધા પૈસા બચાવ્યા હશે. તેમની ઝૂંપડપટ્ટીમાંથી પોલીસને પાન કાર્ડ, આધાર કાર્ડ અને સીનિયર સિટીઝનનું કાર્ડ પણ મળી આવ્યું હતું. તેમના આધાર કાર્ડ પરથી તેમણે તેમના પરિવાર જનોની શોધખોળ હાથ ધરી છે.