એક શિશુને ભગવાને આપેલી અણમોલ ભેટ તેનાં માતાપિતા છે. આમ તો તેને એ બંનેની જરૂર પડે છે, પણ એ બંનેમાંથી માતાનું મહત્વ સવિશેષ છે. મા સાથે બાળકનો વિશેષ સંબંધ હોય છે કારણ કે મા ફકત બાળકનું પાલનપોષણ જ નથી કરતી, પરંતુ તેના વ્યક્તિત્વનું ઘડતર પણ કરે છે. મા તેના જીવનને પોતાની પ્રેમાળ ભાવનાઓની સીંચે છે. માનો પાલવ બાળક માટે સૌથી મોટું સુરક્ષા કવચ હોય છે. માના આશીર્વાદ એના માટે સૌથી મોટું વરદાન હોય છે. માના સાચા આશીર્વાદ એને સફળતાના શિખરે પહોંચાડી દે છે. માતાની શિખામણી બાળક માટે એ મંત્ર હોય છે, જેનાથી એનું જીવન સુરક્ષિત બની જાય છે.
મા શબ્દમાં સમગ્ર દુનિયાનું સર્જન છુપાયેલું છે. સુષ્ટિનું સર્જન કરનારી પરમેશ્ર્વરી આદિશક્તિ જ છે. એમનામાંથી બધું જન્મયું છે. અને બધા જીવોમાં નારીજાતિમાં તેમનો અંશ રહેલો છે. બધા જીવો માટે માની ભમિકા ખૂબ મત્ત્વની છે. જયારે કોઇ બાળકનો જન્મ થાય છે તો તે સૌથી પહેલાં પોતાની માતાને જ પોકારે છે. તે માને પ્રેમ મેળવવા હંમેશા આતુર રહે છે. માતા પોતાના રકતમાંથી દૂધ બનાવીને બાળકનું પોષણ કરે છે. બાળકનું અસ્તિત્વ એની માતા પર જ નિર્ભર હોય છે. બાળકનું અસ્તિત્વ એની માતા પર જ નિર્ભર હોય છે. મા પોતાનો બધો જ પ્રેમ પોતાના સંતાનને આપીને તેના જીવનને સંભાળે છે.
મનુષ્ય પાસે તો વિચારવાની તથા કામ કરવાની શક્તિ અને સમજ છે, પરંતુ બીજા જીવો પાસે એ સુવિધાઓ ન હોવા છતાં પણ તેઓ પોતાનાં બચ્ચાંઓનું પાલન પોષણ ખૂબ કુશળતાપૂર્વક કરે છે. પશુઓ પોતાનાં બચ્ચાઓને જે પ્રેમ કરે છે અને પક્ષીઓ પોતાનાં બચ્ચાંઓ માટે જે રીતે આહાર તથા આવાસની વ્યવસ્થા કરે છે એને પણ અદ્ભુત જ કહી શકાય.
મનુષ્યોમાં જે પરિવાર હોય છે તેનો આધાર ભાવનાઓ હોય છે. પવિત્ર તથા નિર્: સ્વાર્થ ભાવનાથી જ પરિવાર સમુદ્ધ બને છે. પરિવારથી સમાજનું નિર્માણ થાય છે અને સમાજથી રાષ્ટ્ર બને છે. આમ, આ સમગ્ર પરિવારની ધરી તો મા જ હોય છે. મા પરિવારને બાંધી રાખે છે, તેને સંભાળે છે, સાચવે છે, સંસકારી બનાવે છે. મા પરિવારનો આધારસ્તંભ છે. એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. દુનિયામાં જે મહાપુરૂષો થઇ ગયા તેમને શ્રેષ્ઠ સંસ્કારો દ્વારા માએ જ મહાન બનાવ્યા છે. વિનોબા જયારે બાળક હતા ત્યારે મા તેમને તુલસીમાં દરરોજ અર્ધ્ય આપવા માટે કહેતી હતી. બાળપણમાં માતાએ આપેલાએ પવિત્ર સંસ્કારોએ વિનોબા ભાવેને વંદનીય મહાપુરુષ બનાવી દીધા હતા.
મહાન માતાઓની કૂખે જ મહાન બાળકો જન્મે છે. આથી જે માતાઓને મહાન સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેમણે પોતે પણ પોતાના જીવનને પવિત્ર અને સંસ્કારવાન બનાવવું જોઇએ. ભૂમિ ફળદ્રુપ અને ઉપજાઉ હોય તો પાક સારો થાય છે, એ જ રીતે મહાન માતાઓ જ પોતાનાં સંતાનોને શ્રેષ્ઠ, ઉન્નત, સંસ્કારવાન અને મહાન બનાવી શકે છે. શિવાજી મહારાજ ચરિત્રવાન અને મહાન બન્યા તેનું કારણ જીજાબાઇએ સીંચેલા મહાનતાના સંસ્કાર જ હતા. વિવેકાનંદ, જગદ્ગુરુ શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્ર્વર, દયાનંદ સરસ્વતી વગેરે મહાપુરુષોની પાછળ તેમની મહાન માતાઓનો જ ફાળો રહેલો છે.
માતા જ એક એવી વિભૂતિ છે, જે ઘરના વાતાવરણને પવિત્ર અને ભક્તિભાવપૂર્ણ હોય એવાં ઘરોમાં જ મહાન આત્માઓ જન્મ લે છે. દેવહૂતિની પવિત્રતાના કારણે જ ભગવાને એમને ત્યાં કપિલમુનિના રૂપમાં જન્મ લીધો હતો. આમ, મહાન માતા ભગવાનને પણ પોતાને ત્યાં જન્મ લેવા માટે મજબૂત કરી શકે છે. માતા પોતાના બાળકને ફકત જન્મ જ નથી આપતી. તેનામાં તે સારા સંસ્કારોનું સીંચન પણ કરે છે.
પરંતુ માતા પોતે જ જો સંસ્કારવાન ન હોય, દુરાચારી હોય, તો તેનાં સંતાનો પણ કુપાત્ર પાકે છે. પેલા ચોરની વાત બધા જાણે છે. તેને ચોરી કરવાની ટેવ હતી. એક દિવસ તે રંગે હાથ પકડાઇ ગયો. પછી તેને ફાંસીની સજા થઇ. ફાંસી આપતા પહેલાં તેની અંતિમ ઇચ્છા વિશે તેને પૂછવામાં આવ્યું, તો તેણે પોતાની માતાને મળવાની ઇચ્છા વ્યકત કરી. તેની માતાને બોલાવવામાં આવી તો પેલા ચોરે તેના નાકે બચકું ભરીને તેને કાપી નાખ્યું. ન્યાયાધીશે તેનો આવો જઘન્ય અપરાધ કરવાનું કારણ પૂછયું, તો ચારે બધાની આંખો ઉઘાડી નાખનારી વાત કહી.
તેણે કહ્યું કે હું નાનપણમાં નાની નાની ચોરી કરતો હતો એ વખતે જો મારી માતાએ મને અટકાવ્યો હોત અને સજા કરી હોત તો હું આજે અઠંગ ચોર ન બનત અને મને ફાંસીની સજા પણ ન થાય. મારા પતન અને વિનાશ માટે મારી માતા જ જવાબદાર છે, તેથી મેં તેના નાકે નચકું ભર્યુ કારણ કે નાક કીર્તિનું પ્રતીક છે. ચોરની આ સત્ય વાત સાંભળી બધાએ તેના તરફ સહાનુભૂતિ વ્યકત કરી. મનુષ્યના જીવનમાં સુસંસ્કારી માતાનું શું મહત્વ છે તે આ ઘટના દ્વારા સારી રીતે સમજી શકાય છે.
જેને માતાનો પ્રેમ નથી મળતો તેનું જીવન શુષ્ક બની જાય છે. “ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર એ ઉક્તિ ખરેખર સાચી છે. મા વિના પોતાનું જીવન સુનું લાગે છે. મા હોય તો બાળકો જીવન આનંદથી ભરપૂર બની જાય છે. માતા બાળકની દરેક જરૂરિયાતને સમજી જાય છે અને તેની સાચી જરૂરિયાત તરત જ પૂરી કરે છે. બાળકની મૂક ભાષાને એક મા જ સમજી શકે છે. મા બાળકને સંસ્કારોની સાથે દુન્યવી જ્ઞાન પણ આપે છે. આમ, બાળકના જીવનમાં માતાની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.
માના ખોળામાં બાળક હૂંકનો અનુભવ કરે છે. માના પ્રેમાળ સ્પર્શની બાળકનું બધું જ દુ:ખ દૂર થઇ જાય છે.
મા હંમેશા પોતાના બાળકનું હિત જુએ છે. જરૂર પડયે તે કઠોર પણ થાય છે. ખોટાં લાડ લડાવવાથી બાળક બગડી જાય છે. તેનો સારો અને સાચો વિકાસ થઇ શકતો નથી. આથી જ પ.પૂ. ગુરુદેવ રામ શમાર્ન આંખ સુધારકી રાખવી જોઇએ, તો જ બાળકનો સમુચિત વિકાસ થઇ શકે છે.
આજે આપણે જે કાંઇ છીએ તે માતા મમત્વના કારણે જ છીએ. આથી માતા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખી વૃધ્ધાવસ્થામાં તેને કોઇ પ્રકારની તકલીફ ન પહોંચે કે તેના દિલને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઇએ.