વડી અદાલતમાં સુનાવણી ૧૦ દિવસમાં ચુકાદાની શકયતા: હાલ નાગરિકોની ગોપનિયતાના હકકને મુળભુત અધિકાર ગણાતો નથી !
નાગરિકોના મુળભુત અધિકારોનો મુદ્દો હંમેશાથી કોઈને કોઈ વિવાદમાં ચર્ચાતો આવ્યો છે. હવે ગોપનિયતાને નાગરિકોના મુળભુત અધિકારોનો હિસ્સો ગણવો કે નહીં ? તે અંગે વડી અદાલત ફેંસલો કરવા જઈ રહી છે.
હાલ પ્રાયવસીને બંધારણ હેઠળ મુળભુત અધિકાર ગણવામાં આવતી નથી માટે ટુંક સમયમાં આ મામલે વડી અદાલત દ્વારા જાહેર થનાર ચુકાદો ઐતિહાસિક બની રહેશે. ચીફ જસ્ટીસ જે.એસ.ખેહર, જસ્ટીસ જે ચેલમેશ્ર્વર, જસ્ટીસ એસ.એ.બોલ્ડે, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ એસ અબ્દુલ નાઝીર સહિત વધુ ચાર કુલ ૯ ન્યાયાધીશોની ખંડપીઠ સુનાવણી હાથધરી રહી છે. આવતા અઠવાડીયે આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.
કેન્દ્ર સરકારવતી દલીલ કરતા એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે વડી અદાલતે અગાઉ પ્રાઈવસીને મુળભુત અધિકારો નહી પરંતુ સામાન્ય અધિકારો ગણાવતા બે ચુકાદાને ટાંકયા હતા. અદાલતે પ્રાઈવસીને સામાન્ય અધિકારી ગણાવ્યો હોવાથી કોઈ વ્યકિત ‘આધાર’ સહિતના પોલીસી નિર્ણયોને પડકારી શકે નહીં.
નાગરિકોની પ્રાઈવસીનો મુદો હાલ વધુ ગરમ હોવાનું કારણ ‘આધાર’ની બંધારણીય માન્યતા છે. હાલ ‘આધાર’ની બંધારણીય માન્યતાને પડકારની ૨૦ પીટીશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જેમાં બાયોમેટ્રીક ડેટાને એકટીવીટી સાથે લીન્ક કરવાની કામગીરી વ્યકિતની ગોપનિયતાના હકકનો ભંગ હોવાની દલીલ થઈ છે.