સારહી યુથ કલબ દ્વારા નિરાધારો માટે અતિ આધુનિક આશ્રમનું કરાશે નિર્માણ
આપણા પોતાના અમરેલીના આંગણે ધારી રોડ ગાવડકા ચોકડી પાસે વીશાળ સવા અગિયાર વિઘામાં નિર્માણ પામનાર સારહી તપોવન આશ્રમ અંતર્ગત અતિ આધુનિક મોનીટરિંગ ઓફિસ ,આદર્શ ભોજનાલયની વ્યવસ્થા , વાંચન માટે સાહિત્યસભર લાઇબ્રેરીની સુવિધા , ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા માટે ભગવાન શિવ મંદિર અને પ્રાર્થના રૂમનું નિર્માણ , નરમરમ્ય બગીચો,જરૂરી મેડિકલ સારવાર સંલગ્ન વ્યવસ્થાઓ અને ખાસ અહીં રહેનારા નિરાધાર લોકો માટે જરૂરી બધી જ સગવડતાઓ ધરાવતા આદર્શ રૂમોની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી અગ્રેસર સંસ્થાઓ- વ્યક્તિઓ , સામાજિક અગ્રણીઓ , રાજસ્વી ગૌરવ સમાન રાજકીય અગ્રણીઓ અને આપણાં અમરેલી તથા આસપાસના વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થનાર છે.
બે દિવસના કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી હજારો લોકો તપોવન આશ્રમ શિલાન્યાસ સ્થળની મુલાકાત લઇ અને પ્રસાદનો લાભ લેશે અને આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થાઓ માટે સારહી યુથ ક્લબ અમરેલી અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓના 1100થી વધુ સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે.
આગામી તારીખ 31/12 2022 અને 1/1/2023 ના રોજ પૂજય મોરારીબાપુ , પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ,પ.પૂ મુક્તાનંદબાપુ બ્રહ્માનંદધામ ચાંપરડા ,પ.પૂ મહંત વજયબાપુ સતાધાર આપાગીગા ની જગ્યા સતાધાર – પ.પૂ 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુ પાળીયાદ – પ.પૂ લઘુ મહંત શ્રી મહાવીર બાપુ વલકુબાપુ દાન મહારાજ ની જગ્યા ચલાલા – પ.પૂ શેરનાથ બાપુ જૂનાગઢ – પ.પૂ રાજેન્દ્ર બાપુ તોરણીયા – પ.પૂ મહંત શ્રી ભક્તિરામ બાપુ ભોજલધામ ફતેપુર ના આશીર્વચન અને પ્રેરણાત્મક ઉપસ્થિતમાં સારહી તપોવન આશ્રમ શિલાન્યાસ વિધિ થશે.આ શિલાન્યાસ વિધિના મુખ્ય ભાગ રૂપે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત શ્રીસાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદરના 21 આચાર્ય – ઉપાચર્ય અને 250 થી વધુ તજજ્ઞ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર અને દિવ્ય ઔષધીઓ દ્વારા પાંચ લાખ એકાવન હજાર મંત્રોની આહુતિ સાથે અલૌકીક 501 કુંડી ગાયત્રી યજ્ઞ થશે.જે યજ્ઞના યજમાનો માટે અવિસ્મરણીય બની રહેશે.આ દિવ્ય યજ્ઞના મંત્રોની હકારાત્મક અને ઓજપૂર્ણ ઊર્જા આપણા અમરેલીના વાતાવરણમાં દિવ્યતા ફેલાવશે.
અમરેલીના આંગણે નિર્માણ પામનાર નિરાધાર વ્યક્તિઓના આધાર સમાન સીમાચિહ્ન રૂપ સારહી તપોવન આશ્રમના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો છે.
છેલ્લા 25 વર્ષથી સારહી યુથ પરિવારના પ્રત્યેક કાર્યક્રમોને અમરેલીનાલોકોએ ઉષ્માસભર ,અવિરથ સહકાર વડે વ્યાપક સમર્થન આપ્યું છે એવું જ સમર્થન સારહી તપોવન આશ્રમને મળી રહે તેવી અપેક્ષા સહ.આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે યોગ્ય સહકારની અપેક્ષાએ આવનાર સારહી યુથ પરિવારના પ્રતિનિધિઓને સમજી તન મન અને ધનથી સહકાર આપવા માટે મુકેશ સંઘાણી દ્વારા વિનંતી કરવામાં આવી છે.