૧લી જાન્યુઆરી ૨૦૨૦ બાદ લેવામાં આવેલા ચાર્જને પરત કરવા નાણા મંત્રાલયની બેંકોને ભલામણ
વૈશ્વિક ફલક પર ભારત દેશને એક આગવુ સ્થાન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત મોદી સરકાર દ્વારા એક હકારાત્મક અભિગમ રાખી નાણાકિય રીતે દેશને મજબુત બનાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં ઈલેકટ્રોનિક વ્યવહારો જેવા કે આરટીજીએસ, એનઈએફટીમાં થતા નાણાકિય વ્યવહારો પર બેંક જયારે અતિરેક ચાર્જ વસુલે છે તેના પર રોક મુકવા માટે નાણા મંત્રાલયે તાકિદ કરી છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા તમામ બેંકો કે જે નાણાકિય વ્યવહારો ઉપર ચાર્જ વસુલે છે તેઓને તાકિદ કરી નાણાને પરત આપવા માટેની પણ ભલામણ કરી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસે તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.
સીબીડીટીના અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઘણીખરી બેંકો યુપીઆઈ મારફતે જે નાણાકિય વ્યવહારો કરવામાં આવે છે તેના ઉપર અનેકવિધ પ્રકારે ચાર્જ પણ લગાવવામાં આવે છે જે અંગેની માહિતી મળતાની સાથે જ નાણા મંત્રાલયે બેંકોએ તાકિદ કરી જણાવ્યું હતું. સીબીડીટીના જણાવ્યા મુજબ ઘણા ચાર્જ બેંકો દ્વારા વસુલવામાં આવતા ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે પરંતુ બેંકો નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. સીબીડીટીએ ૩૦ ડિસેમ્બર ૨૦૧૯માં એક ઠરાવ પસાર કર્યો હતો અને જણાવ્યું હતું કે,૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે તે પછીના કોઈપણ નાણાકિય વ્યવહારો ઈલેકટ્રોનિક ઉપકરણો મારફતે કરવામાં આવ્યા હોય તો તેના પર એક પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવનો ઉલાળીયો કરતી બેંકોને નાણા મંત્રાલયે તાકિદ કરી જણાવ્યું છે કે, ૧લી જાન્યુઆરી ૨૦૨૦ બાદ જે ચાર્જ લગાવવામાં આવ્યા હોય તે તમામ ચાર્જને લોકોને પરત આપવાના રહેશે. બીજી તરફ દેશના વડાપ્રધાન ડિજિટલ ઈન્ડિયા તરફ ભારતને આગળ વધારી રહ્યા છે ત્યારે ડિજિટલ પેમેન્ટ તરફ લોકોને આકર્ષવા માટે એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે જો કોઈ અતિરેક ચાર્જ ડિજિટલ માધ્યમથી લેવામાં આવેલો હોય તો તે ન લેવો જોઈએ જેથી લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી શકે. હાલની સ્થિતિને ધ્યાને લઈ હવે બેંક આરટીજીએસ જેવા વ્યવહારો પર ચાર્જ નહીં વસુલે.