તેલ જુઓ તેલની ધાર જુઓ
ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર સતત પ્રયત્નશીલ : માર્ચ-એપ્રિલ બાદ નિકાસની મળશે છૂટ
અબતક, નવી દિલ્હી : દેશમાં ઘઉંના ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે તેના બફર સ્ટોકમાં વધારો કરવાના આશયથી નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ પ્રતિબંધ હજુ ઘઉંનો નવો પાક માર્ચ એપ્રિલમાં ન આવે ત્યાં સુધી યથાવત રાખવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ઘઉં ઉત્પાદનનો જે લક્ષ્યાંક હતો તેમાં માર્ચમાં ઉનાળાની શરૂઆતના કારણે ઘટાડો થયો હતો. તે ધ્યાનમાં રાખીને સરકાર આગામી પાક, જે માર્ચ-એપ્રિલમાં આવશે તે પહેલાં ઘઉંની નિકાસ પરના નિયંત્રણો હટાવશે નહીં. ઓછી ઉપલબ્ધતાને કારણે મંગળવારે વિક્રમી ઊંચાઈએ પહોંચેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર પણ તેના સ્ટોકમાંથી ઘઉંના વેચાણ પર ખુલ્લા બજારમાં ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘઉંની નિકાસમાં છૂટછાટ આપવાની માંગણી કરવામાં આવી હોવા છતાં, સરકારની પ્રાથમિકતા એ જોવાની છે કે સ્થાનિક બજારમાં મુખ્ય ખાદ્ય અનાજની કિંમતમાં અતિશય વધારો ન થાય.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે અમારી પાસે ઓછી ઉપલબ્ધતા હોય ત્યારે નિકાસને મંજૂરી આપવાનો કોઈ અવકાશ નથી. અમે ટૂંક સમયમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ઘઉં ઓફર કરીશુ. લોટ મિલરો ભાવને સાધારણ કરવા માટે ઓપન માર્કેટમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સ્ટોકમાંથી ઘઉંને વહેલા મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
સરકારના પ્રાઇસ મોનિટરિંગ સેલના ડેટા દર્શાવે છે કે મંગળવારે ઘઉંની સરેરાશ છૂટક કિંમત રૂ. 33.3 પ્રતિ કિલો હતી, જે ગયા વર્ષની સરખામણીએ 17.6% વધુ છે અને પાંચ વર્ષ પહેલાંની સરખામણીએ 40.3% વધુ છે. એ જ રીતે, મંગળવારે લોટની સરેરાશ છૂટક કિંમત રૂ. 37.8 પ્રતિ કિલો હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 19.8% વધુ છે અને પાંચ વર્ષ પહેલાં જે ભાવે વેચાતી હતી તેના કરતાં 44.2% વધુ છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા પણ દર્શાવે છે કે મંગળવારે ઘઉં અને આટાની મોડલ છૂટક કિંમત વધીને અનુક્રમે રૂ. 29 અને રૂ. 35 પ્રતિ કિલો થઈ ગઈ હતી, જે છ મહિના પહેલા રૂ. 22 અને રૂ. 28 પ્રતિ કિલો હતી.
આ વલણ આટાના જથ્થાબંધ ભાવોમાં પણ સમાન છે. તે દરમિયાન, વલણ દર્શાવે છે કે મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની મુખ્ય મંડીઓમાં ઘઉંના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ કરતાં 41%થી 44% ઉપર ચાલી રહ્યાં છે. રશિયા-યુક્રેનને કારણે ગયા વર્ષનું નીચું ઉત્પાદન અને પ્રથમ થોડા મહિનામાં ઘઉંની નિકાસમાં થયેલો વધારો ટૂંકા પુરવઠા માટે મુખ્ય ફાળો આપનાર છે.
ડેટા દર્શાવે છે કે મંગળવારે સિહોરમાં ઘઉંના જથ્થાબંધ ભાવ રૂ. 2,900 પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયા હતા, જે મધ્ય પ્રદેશની સૌથી મોટી મંડીઓમાંની એક છે અને દિલ્હીમાં તે રૂ. 2,815ના ભાવે વેચાઈ રહી હતી. ખેડૂતો પાસે ઓછો સ્ટોક હોવાથી ઘઉંની આવક ઓછી થઈ છે.
એફસીઆઈ ટૂંક સમયમાં ઘઉંના સ્ટોકનું વેચાણ શરૂ કરશે
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઘઉંનો મોટો બફર સ્ટોક રાખે છે. જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જાય અન્યથા ભાવમાં અતિશય ઉછાળો આવે ત્યારે આ જથ્થો ઓપન માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે. લોટ મિલરો ભાવને સાધારણ કરવા માટે ઓપન માર્કેટમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સ્ટોકમાંથી ઘઉંને વહેલા મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે હવે એફસીઆઈ ટૂંક સમયમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ઘઉં ઓફર કરશે.