કાયદાકીય પગલાની સાથે વિદ્યાર્થીનાં ભવિષ્યને પણ નજરઅંદાજ ન કરી શકાય
ગુજરાતમાં પબજી જેવી ખતરનાક ગેમ પર પ્રતિબંધ લદાયો છે. ભારત સરકારે ભુતકાળમાં દેશ વિરોધી પ્રવૃતિઓથી માંડી અનેક વેબસાઈટને ભારતમાં પ્રતિબંધિત ફરમાવી છે અને સફળતા પણ મળી છે તો પછી વિદ્યાર્થીઓ પર પબજી ગેમને લઈ કાયદાકીય પગલા ભરવા, ધરપકડ કરી સરકાર શું કરવા ઈચ્છી રહી છે. જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે જેને સરકારી નોકરી કે વિદેશનાં અભ્યાસમાં જતા પહેલા જ જેના પરની કાયદાકીય ધરપકડ કે કાનુની દાવપેચથી ભાવી જોખમાઈ રહ્યું છે.
પબજી રમવા પર પ્રતિબંધ લદાયો તે બિલકુલ વ્યાજબી જ છે અને આવકારદાયક છે.
પરંતુ વિદ્યાર્થીમાં તેમના માટે જાગૃતતા કે ગેમ રમવા માટેની કોઈ યોજના બનાવવી જોઈએ. બ્લુ વ્હેલની જેમ હવે પબજી ગેમ પર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બાળકોમાં હિંસા વૃતિનું પ્રમાણ વઘ્યું છે. આ ગેમ રમનારને માનસિક અસરો થઈ શકે છે અને ઘણા ગેરફાયદા પણ છે. રાજકોટ જેવા શહેરમાં સામાકાંઠાનાં વિસ્તારમાં ફોનમાં ગેમ રમવાની ના પાડતાં થોડા મહિના પહેલા જ ધો.૯માં અભ્યાસ કરતા ૧૫ વર્ષનાં કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. પ્રતિબંધની શરૂઆતમાં ગાંધીગ્રામ અને તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે દરોડા પાડી નવ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી તેવી જામનગરમાં પણ પબજી ગેમ ન રમવા માટે પોલીસ તંત્રએ દંડો હાથમાં લીધેલ હતો.
વિદ્ધાનોનું કહેવું પણ છે કે પબજી ગેમ રમતા વિદ્યાર્થીઓને નુકસાનકારક છે, તેમની એકાગ્રતા રહેતી નથી, ગંભીર બિમારી નોતરે છે, ભવિષ્ય બગાડે છે, તેમના માનસ પર અસર થાય છે, મગજ અશાંત રહે છે, સંતાનોનું વર્તન બદલાઈ જાય છે, ઉદાસીનતા વધે છે, ચિસો પાડવી, ક્રોધ કરવો, રડવું આવવું, ઉંઘમાંથી ઝબકીને જાગી જવું, યાદ શકિત નબળી થઈ જવી, ભુખ ન લાગવી તેમજ ડિપ્રેશનનો શિકાર બની વ્યકિત આત્મહત્યા સુધી પગલું ભરી શકે છે. જેથી સરકારે આ ગેમને લઈ વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુગલને રજુઆત કરી ગેમ પર કાયમી પ્રતિબંધ મુકાઈ જાય અને મોબાઈલમાં પબજી ગેમ નાબુદ થાય તેવા પ્રયત્નો કરવા યશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં મહિલા પ્રમુખ રીંકલ ડી.ત્રિવેદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે માંગણી કરી છે.