મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની સતાવાર જાહેરાત: કોર્પોરેશને બીજીવાર પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકયો

રાજકોટ શહેરમાં પાણીના પાઉચ અને ચાના પ્લાસ્ટીકના કપ પર પ્રતિબંધ બાદ આજે તમામ હોકર્સ ઝોનમાં પ્લાસ્ટીકની બેગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની સતાવાર જાહેરાત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે. હોકર્સ ઝોનમાં આવતા લોકોને મહાપાલિકા અલગ-અલગ એસોસીએશનના આર્થિક સહયોગથી મફત કપડાની થેલીઓ આપશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટને પ્લાસ્ટીક મુકત શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા તમામ હોકર્સ ઝોનમાં પ્લાસ્ટીકની બેગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અલગ-અલગ એસોસીએશનના હોદેદારો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કપડાની થેલી બનાવવા માટે સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. કપડાની થેલીની એકબાજુ મહાપાલિકાનો લોગો અને બીજીબાજુ જે-તે એસોસીએશનનો લોગો રાખવામાં આવશે. હોકર્સ ઝોનમાં આવતા લોકોને મહાપાલિકા દ્વારા મફતમાં કપડાની થેલીઓ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન કમિશનર વિજય નેહરા દ્વારા શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ લાદતું જાહેરનામું આજથી ત્રણ વર્ષ પૂર્વે પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા બીજી વખત પ્લાસ્ટીક બેગ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.