કલબ, ફાર્મ હાઉસ, રિસોર્ટ સહિતના સ્થળોએ પણ ધુળેટીની મંજૂરી નહિ મળે : ગ્રામીણ વિસ્તારમાં આંશિક છૂટછાટ મળે તેવી સંભાવના
ધૂળેટીની રંગત પણ કોરોના હણી લ્યે તેવા સંજોગો ઉભા થયા છે. રાજકોટ સહિતના મહાનગરોમાં ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલ કોરોનાના કેસો વધી રહ્યા હોય સરકાર ધુળેટીની ઉજવણી ઉપર રોક લગાવવા વિચારણા કરી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
છેલ્લા એક વર્ષમાં કોરોનાએ અનેક તહેવારોની મજા બગાડી છે. ગત હોળી અને ધુળેટીના પર્વથી જ ભારતમાં કોરોનાનું આગમન થયું હતું. તે વખતે કોરોનાનાં નામથી જ લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી હતી. જેને પગલે ગત ધૂળેટીની ઉજવણી પણ ફિક્કી રહી હતી. અનેક લોકોએ કોરોનાના ડરથી ધૂળેટીની મજા માણવાનું ટાળ્યું હતું. ત્યારબાદ હવે સતત બીજી ધુળેટી પણ ફિક્કી રહે તેવી શકયતા જોવા મળી રહી છે.
અગાઉ કોરોનાના કારણે જન્માષ્ટમી, દિવાળી સહિતના તહેવારોની ઉજવણી ઉપર પણ રોક લાગી હતી. ત્યારે હવે ફરી ધુળેટીની ઉજવણી ઉપર પણ રોક લાગવા જઇ રહી છે.છેલ્લા ઘણા તહેવારો ફિક્કા રહ્યા બાદ ધૂળેટીને મન ભરીને માણવાની લોકોએ તૈયારી કરી લીધી હતી. પણ લોકોની આ તૈયારીઓ હવે વ્યર્થ જવાની છે. કારણકે ચૂંટણી બાદ કોરોનાનાં કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો કોરોના વિસ્ફોટ થયો છે. જેને કારણે પુણે, નાગપુર અને આકોલામાં લોકડાઉન લાગુ કરવાની સરકારને ફરજ પડી છે.
ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને પગલે ધૂળેટીમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં રાજકોટ સહિતના મહાનગરોમાં ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધના આદેશો જાહેર કરાય તેવી સુત્રોમાંથી માહિતી મળી રહી છે. આ ઉપરાંત શહેરોની બહાર કલબ, ફાર્મ હાઉસ કે રિસોર્ટમાં થતા ધૂળેટીની ઉજવણીના ખાસ આયોજનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવનાર છે. વધુમાં મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ધૂળેટીની ઉજવણી માટે ગ્રામીણ વિસ્તારોમાં આંશિક છૂટછાટ આપવામાં આવે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ તો ચૂંટણી બાદ કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં 83% ઉછાળો આવ્યો છે. માત્ર ચાર અઠવાડિયામાં જ દર અઠવાડિયે નોંધાતા કેસનો આંકડો 1,845થી વધીને 4,382 પર પહોંચી ગયો છે. જે કેસોની સંખ્યામાં 2.4 ગણો વધારો દર્શાવે છે અને રાજ્યમાં નોંધાયેલા કેસોનો ત્રીજો સૌથી મોટો ઉછાળો છે.
નેતાઓની રેલીનો ‘રેલો’ પ્રજાને!!
તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજકીય પક્ષોએ કોરોના ગાઈડલાઈનની એક બે ને ત્રણ કરી નાખી હતી. ખુલ્લેઆમ મેળાવડા જોવા મળી રહ્યા હતા. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા હતા. જેનું પરિણામ મળવાનું શરૂ થઈ ગયું છે. કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેથી નેતાઓની રેલીનો રેલો હવે પ્રજાના ભાગે આવ્યો છે.તેવુ ચોક્કસપણે કહી શકાય. ઉલ્લેખનીય છે કે ચૂંટણી વખતે રાજકીય પક્ષોને કોરોના ગાઈડલાઈન નડતી ન હતી તે ઘટના સામાન્ય નાગરિકોના મનમાં ઘર કરી ગઈ છે. જેને લઈને ભારોભાર રોષની લાગણી પણ પ્રવર્તી છે.