જામનગરના મોટી ખાવડી નજીક રિલાયન્સ ટાઉનશીપમાં વસવા કરતા ધારાબેન અવિનાશભાઈ કલોલા નામની મહિલા ગર્ભવતી હતા, ત્યારે તેઓને અચાનક જ પ્રિમેચ્યોર દુઃખાવો થતા સ્થાનિક હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તે દરમિયાન ર૪ અઠવાડિયાના ગર્ભના સમયમાં તેઓએ માત્ર ૬૦૦ ગ્રામ જેટલું જ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો. આ સમયગાળા મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ૪૦ અઠવાડિયા જેટલો હોવો જોઈએ એટલે કે અધુરા માસે આ બાળકીનો જન્મ થતા તુરંત જ તેણીને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવાની ફરજ પડી હતી. જે પછી બાળકીને વધુ સારવાર અર્થે જામનગરમાં આવેલ અતિઆધુનિક સુવિધાઓ સાથેના આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.
ગર્ભ ધારણ કર્યાના ર૪ અઠવાડિયે જન્મેલી ૬૦૦ ગ્રામ જેટલું જ વજન ધરાવતી આ બાળકીને આયુષ ન્યુબોર્ન સેન્ટરમાં ખસેડાયા પછી નિષ્ણાત તબીબો દ્વારા તેની તપાસ કરાતા બાળકીના ફેફસા એકદમ કાચા હોવાના લીધે સફેક્ટન્ટ નામની દવા ફેફસામાં આપીને તરત જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવી હતી.
આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરના તબીબોના જણાવ્યા પ્રમાણે જ્યારે આવી સ્થિતિ ધરાવતું બાળક હોય ત્યારે તેના શરીરના તમામ અવયવો અતિશય નાજુક હોવાને લીધે શરૃઆતના સમયમાં તપાસમાં પણ ખૂબ તકલીફો પડતી હતી. જેવી કે રક્તસ્ત્રાવ થવો, ચેપ લાગવો, આંતરડા ફૂલી જવા જેવી અનેક તકલીફો બાળકીમાં જોવા મળી હત. બાળકીને સતત ૩ર દિવસ વેન્ટીલેટર પર રાખ્યા પછી તેના ફેફસા સામાન્ય રીતે કામ કરતા થયા હતાં અને ર૩ દિવસ પછી આ બાળકીએ મળત્યાગ કર્યો હતો.
વધુમાં તબીબો એવું પણ માને છે કે આ પ્રકારના બાળકોને નવું જીવન આપવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મહત્ત્વનો સાબિત થયો. જેમાં બાળકીને ઈન્ક્યુબેટરમાં રાખવું, ચેપથી બચાવવું, રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને આ તમામ પાસાઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યા પછી ૧૦૪ દિવસની તબીબોની અથાગ મહેનત પછી જે બાળકીનું જન્મ સમયે વજન માત્ર ૬૦૦ ગ્રામ હતું તે બાળકીનું વજન બે કિલો ૭૦૦ ગ્રામ વજન થયા પછી બાળકીને રજા આપવામાં આવી ત્યારે ન્યુબોર્ન કેર સેન્ટરના તબીબો અને સ્ટાફ સહિત બાળકીના માતા-પિતા સહિતના પરિવારએ પણ ખુશીની લાગણી અનુભવી હતી.
આ તો એક સિદ્ધિની વાત થઈ પણ ન્યુબોર્નકેર સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં જ ૧ કિલોથી ઓછા વજનવાળા ૧પ બાળકોને અને ૧ થી ૧.પ કિલોવાળા ૩૪ અસક્ષમ જન્મ લેનારા બાળકોને આયુષ હોસ્પિટલમાં નવું આયુષ્ય મળ્યું છે.
૬૦૦ ગ્રામની આ બાળકીને બચાવવા માટે જામનગરના જોલી બંગલા નજીક આવેલ આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરના નિષ્ણાત તબીબો ડો. નિકેશ કાલસરિયા, ડો. રોનક ઓઝા અને ડો. કલ્પેશ મકવાણાએ ભારે જહેમત ઊઠાવી હતી અને કદાચ આવી ઘટના જામનગરના ઈતિહાસની પ્રથમ ઘટના ઘટી હોવાનું પણ જણાવ્યું હતું. સાથોસાથ આ તબીબોએ સમયસૂચક્તા વાપરી અને બાળકીને જામનગર સુધી સલામત પહોંચાડનાર રિલાયન્સ ટાઉનશીપના ડોક્ટર હીમાંશુ જોષીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com