રાજકોટમાં  108ની કપરી કામગીરી કરતા જવાનોએ અનેક વાર લોકોના જીવ બચાવી પ્રાણરક્ષકની ભૂમિકા સુપેરે નિભાવી છે. આવો જ એક દિલધડક કિસ્સો હાલમાં જોવા મળ્યો. નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને આઠમા માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા 108 ની એમ્બ્યુલન્સમાં મહિલાને સ્થળાંતરિત કરતી વેળાએ  સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોઈ બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી.

શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેથી રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટરની સલાહ (ઈ.આર.સો.પી.) સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે સક્શન કરી શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી.  બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા બ્લો બાય મેથડ દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપી બાળકને તેમજ માતાને સહીસલામત સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરાયા હતાં.

આ અંગે 108 ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ  વિરલ ભટ્ટે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા માટે ખાસ પદ્ધત્તિ બ્લો બાય મેથડ દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ મેથડમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેક્ધડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે તેમ  વિરલભાઈ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.