એ રોલ અને બી રોલના માધ્યમથી પરપ્રાંતિય શ્રમજીવીઓના પોલીસ માહિતી એકઠી કરી ગુનાખોરી અટકાવતી

ટેકનોલોજી યુગમાં આધાર કાર્ડ, સીસીટીવી અને રહેણાંકના ભાડા કરારના આધારે પરપ્રાંતિયની માહિતીના આધારે તપાસ

સમગ્ર સૌરાષ્ટ્રમાં રોજી રોટી રળવા આવતા અન્ય રાજયના શ્રમિકોએ તેના વતનમાં આચરેલા ગુનાનો ડેટા રાખવી જરૂરી

અબતક,રાજકોટ

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસની સાથે મેઇન પાવરની જરૂરીયાત ઉભી થતા અન્ય રાજયમાંથી પેટીયું રળવા માટે આવતા શ્રમજીવીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વનો પ્રશ્ર્ન ઉભો થયો છે. પરપ્રાંતિયઓ લૂંટ, ખૂન અને ચોરી જેવા ગુના કરી પોતાના વતનમાં ભાગે ત્યારે તેઓનું પગેરૂ દબાવી ઝડપથી ઝડપી શકાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના સમયમાં પરપ્રાંતિય શ્રમજીવીઓના પોલીસ દ્વારા એ રોલ અને બી રોલ ભરવામાં આવતા હતા પરંતુ પોલીસની આ કામગીરી અસરકારક બનતી ન હોવાથી એ અને બી રોલના બુઠ્ઠા થયેલા પોલીસના હથિયારને જાહેરનામાના માધ્યમથી પરપ્રાંતિય શ્રમજીવીઓ ગુનાખોરી ન આચરે અને પોલીસનો પુરેપુરો અંકુશ રહે તે માટે જાહેરનામાનું શસ્ત્ર અસરકારક સાબીત થયું છે.

ખેતી વ્યવસાય સમૃધ્ધ થયો છે અને ઉપજ સમયે પાક લણવામાં મજુરીની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે ખેડુતો પરપ્રાંતિયોને ખેત મજુરીએ લાવતા હોય છે ત્યારે અગાઉના સમયમાં પોલીસ દ્વારા પરપ્રાંતિય તેના વતનમાં ગુનો આચરીને આવ્યો છે કે કેમ અને તે કયાં રહેવાનો છે અને શું કામ કરવાનો છે. તે અંગેની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા એ રોલ અને બી રોલ ભરવામાં આવતો હતો જેના કારણે પરપ્રાંતિય મજુરો પર પોલીસનો અંકુશ રહેતો હતો. ગુનાખોરીની ટેવ ધરાવતા મજુરો સૌરાષ્ટ્રમાં ખૂન, લૂંટ કે ચોરી કરી પોતાના વતનમાં ભાગી જાય ત્યારે આવા મજુરોને તાત્કાલિક ઝડપી શકાતા હતા.

પરંતુ ગુજરાતના વિકાસ થતા મોટી સંખ્યામાં ખેત મજુરો, મોટી કંપનીમાં મેન પાવર અને કારખાનામાં શ્રમજીવીઓની જરૂરીયાત ઉભી થતા દેશભરમાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પેટીયુ રળવા આવતા તમામ પરપ્રાતિયઓના એ રોલ અને બી રોલ ભરવા શકય ન હોવાથી જિલ્લા કક્ષાએ કલેકટર અને મહાનગરોમાં પોલીસ કમિશનર દ્વારા આ અંગે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. પરપ્રાંતિયને કામે રાખતા પૂર્વે અને મકાન ભાડે આપતા પૂર્વે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું તૈયાર કરેલુ ભાડા કરાર, આધાર કાર્ડ અને શ્રમજીવીના ફોટા સાથેની વિગતો નજીકના પોલીસ મથકે જાણ કરવી ફરજીયાત બનાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત જામનગર રિલાયન્સ અને ન્યારા કંપની, અમરેલીના પીપાવાવ પોર્ટ, જૂનાગઢ, કચ્છમાં કંડલા પોર્ટ ટ્રસ્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગ શાપર, મેટોડા અને કુવાડવા જીઆઇડીસીમાં મજુરી કામે આવતા અન્ય રાજયના શ્રમજીવીઓ અવાર નવાર ગંભીર ગુના આચરી ભાગી જતા હોવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ પીપાવાવ ખાતે સિકયુરિટી સુપરવાઇઝરની હત્યા, શાપર-વેરાવળમાં હત્યા અને હત્યાની કોશિષ, માળીયા પાસેના વિર વિદરકાના ખેડુતની હ્ત્યા, જૂનાગઢના વંથલી મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા અને લૂંટ, લીંબડીની દર્શન હોટલ ખાતે રાજકોટના વેપારીના રૂા. 80 લાખના સોનાના ઘરેણાની ચોરી અને રાજકોટના પેડક રોડ પર શિવ જવેલ્સમાં થયેલી લાખો રૂપિયાની લૂંટના ગુના સહિત અનેક ગુનામાં પરપ્રાંતિય શખ્સોની સંડોવણી બહાર આવી છે. જાહેરનામાના આધારે ખૂન, લૂંટ, ચોરી અને છેતરપિંડી જેવા ગુનામાંમાં પરપ્રાંતિય શખ્સની સંડવણી હોવાની માહિતી મેળવી શકય છે. સીસીટીવી ફુટેજના આધારે ઘટના કંઇ રીતે બની તે અંગેની વિગતો મેળવી શકાય છે. પરંતુ ગુનાને અંજામ આપી પોતાના વતનમાં પહોચી જતા આરોપીની ધરપકડ કરવી મુશ્કેલ બને છે. આ અંગે કાયદામાં હજી સુધારાની જરૂર હોવાનું જાણકારો કહી રહ્યા છે.

રાજકોટના સોની વેપારીઓ બંગાળી કારિગર પર નિર્ભર

રાજકોટમાં તૈયાર થતા અવનવી ડિઝાઇન સાથેના સોનાના ઘરેણા દેશ-વિદેશમાં જાણીતા બન્યા છે. ત્યારે સોનામાંથી દાગીના બનાવવા માટે બંગાળી કારિગરની મોટા પ્રમાણમાં જરૂરીત ઉભી થઇ છે. સોની વેપારીઓ ઘરેણા બનાવવા માટે બંગાળી કારિગર પર નિર્ભર બની ગયા છે. ત્યારે સોનાના ઘરેણા તૈયાર કરતા બંગાળી કારિગરો અવાર નવાર લાખોની કિંમતના સોના સાથે પોતાના વતનમાં ભાગી જવાની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે આવી છેતરપિંડીના ગુના અટકાવવા માટે અને સોના સાથે ભાગેલા શખ્સને ઝડપી લેવા માટે જાહેરનામામાં દર્શાવેલી વિગતના આધારે ભેદ ઉકેલવો સરળ બને છે.

પરપ્રાંતિય પોતાના વતનમાં ગુના આચરી સાધુ બની જાય છે

ગુજરાતમાં મોટી સંખ્યામાં પેટીયુ રળવા આવતા પરપ્રાંતિય શ્રમજીવીઓ પૈકી કેટલાક શખ્સો પોતાના વતનમાં ગંભીર ગુનો આચરી પોતાની ઓળખ છુપાવવા સાધુ બની જતા હોય છે. જુદા જુદા ધાર્મિક સ્થળોએ આશરો મેળવી લાંબા સમય સુધી પોલીસ કાર્યવાહીથી દુર રહેતા હોય છે. આવા પરપ્રાંતિય શખ્સો નસીલા પર્દાથનું વેચાણ કરવા અને દેશી બનાવટના રિલોલ્વર અને પિસ્તોલ જેવા હથિયાર ગુજરાતમાં ઘુસાડી રહ્યા હોવાનું ભૂતકાળમાં પર્દાફાસ થયો છે. આવા શખ્સો ગુજરાતમાં ગંભીર ગુનો ન આચરે તેની તકેદારી રાખવા માત્ર જાહેરનામનું પરિયાપ્ત નથી રહ્યું આ અંગે નક્કર કાર્યવાહી જરૂરી બની છે.

સૌરાષ્ટ્રના હરણફાળ વિકાસમાં મજુરોનું યોગદાન મહત્વનું

સૌરાષ્ટ્રના વિકાસમાં પરપ્રાંતિય મજુરોનું યોગદાન મહત્વનું રહ્યું છે. ખેડુતો, મોટી કંપની અને ફેકટરી સંચાલકો પરપ્રાંતિય મજુરો પર નિર્ભર બની ગયા છે. પરંતુ કેટલાક લેભાગુ શ્રમજીવીઓના કારણે લીલા પાછળ સુકુ બળતું હોય છે. લાંબો સમય સુધી સૌરાષ્ટ્રમાં રહી ભૌગોલિક રીતે પરિચીત થયા બાદ જે સ્થળે રોજગારી મેળવે છે ત્યાં જ ગંભીર ગુનો આચરતા હોય છે. આવા પરપ્રાંતિના કારણે ખરા અર્થમાં મજુરી કામે આવતા પરપ્રાંતિયોને પણ સહન કરવું પડે છે. ત્યારે પરપ્રાંતિય શખ્સોને મજુરીએ રાખતા પૂર્વે પોલીસની જેમ ખેડુતો, કંપની અને ફેકટરી સંચાલકોએ પણ તકેદારી રાખવી જરૂરી બની છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.