સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ માટેની ગઠીત થયેલી મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો વધુ સમય આપ્યો છે. આ પહેલાં પેનલે પોતાનો રિપોર્ટ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. સાથે જ પેનલે મામલાના સમાધાન પર વાતચીત માટે વધુ સમયની માગ કરી હતી.મધ્યસ્થતા પેનલની પાસે આ મામલો ગયા બાદ પહેલી વખત આ કેસની સુનાવણી થઈ હતી.આ દરમિયાન પેનલે કહ્યું હતું કે વાતચીત સકારાત્મક દિશામાં છે. તેઓને સમાધાનની આશા છે, એટલે થોડો વધુ સમય આપવામાં આવે.
શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્તર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.