અપસેટ પ્રાઈઝ વધારી ફેર હરરાજી કરવાનો જીલ્લા કલેકટરનો વ્યુહ સફળ રહ્યો
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગોરસ લોકમેળામાં ફજેત-ફાળકા-ચકરડી સહિતની યાંત્રિક આઈટમો માટેના પ્લોટની આજે હાથ ધરાયેલી હરરાજીમાં તંત્રને ગત વર્ષની જેમ જ ધારી કિંમત ઉપજી હતી અને સરેરાશ અઢીથી ત્રણ લાખ લેખે યાંત્રિક આઈટમોના પ્લોટની હરરાજી થતા તંત્રને કરોડથી વધુની આવક થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૧લી સપ્ટેમ્બરથી યોજાનાર ગોરસ જન્માષ્ટમી લોકમેળામાં યાંત્રિક પ્લોટો હરરાજીથી આપવા માટે અગાઉ બે થી ત્રણ પ્રયત્નો કરવા છતાં ધંધાર્થીઓ દ્વારા સિન્ડીકેટ કરી લેવામાં આવતા હરરાજીમાં યાંત્રિક પ્લોટની ધારી કિંમત ઉપજતી ન હતી. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્લોટની અપસેટ પ્રાઈઝમાં વધારો કરી આજે હરરાજી યોજવામાં આવતા સરેરાશ અઢી થી ત્રણ લાખ લેખે પ્લોટોની કિંમત ઉપજી હતી.
વધુમાં લોકમેળા સમિતિ દ્વારા ધંધાર્થીઓની સિન્ડીકેટ તોડવા માટે અગાઉની તુલનાએ ચારે કેટેગરીમાં રૂ. સવા લાખથી લઈ ૨.૬૦ લાખ સુધીની અપસેટ પ્રાઈઝ રાખી હતી અને સવારે ૧૧:૦૦ વાગ્યે હાથ ધરાયેલી હરરાજીમાં ધંધાર્થીઓની મોટી હાજરી વચ્ચે બોલી બોલવાનું શ થતા દરેક પ્લોટના અપસેટ પ્રાઈઝથી ૫૦ થી ૭૦ હજાર જેટલી વધુ કિંમત ઉપજી હતી.
ઉલ્લેખનીય છે કે, યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓની સિન્ડીકેટ તોડવા જિલ્લા કલેકટરે અપસેટ પ્રાઈઝ વધારવાનો વ્યુહ અપનાવ્યો હતો જે આજની હરરાજી બાદ સરેરાશ પ્લોટની કિંમત અઢી થી ત્રણ લાખ જેટલી ઉપજતા તંત્રને ગત વર્ષે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપીયાની કિંમત મળી હતી. તેની સરેરાશ કિંમત મળતા તંત્રની અપસેટ પ્રાઈઝ વધારવાની ચાલાકી કામીયાબ નિવડી હતી.