પર્યાવરણ અને પ્રાણીઓને નુકશાન ન થાય, સ્વચ્છતા જળવાય તે પરિક્રમાના મુખ્ય વ્રત: પૂ.મોરારીબાપુ
તાજેતરમાં પ્રખર રામાયણી મોરારીબાપુ સિંહ દર્શન કરતા હોય તેવી તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારબાદ તેમના વિરુધ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો ગીરના જંગલમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ નિયંત્રણ કરવા માટે મોરારીબાપુના પ્રયાસોને કલંક લગાવવા ઉપજાવી કાઢેલો છે.
વન વિભાગ દ્વારા ગીરનારના લીલી પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટીકનું પ્રદૂષણ અટકાવવાના અભિયાનમાં મોરારીબાપુ જોડાય તે માટે પ્રયાસો થયા છે. આ પ્રદૂષણ અટકાવવા માટે મોરારીબાપુ પણ ચિંતીત છે. વન વિભાગ ગીરમાં શ્રધ્ધાળુઓ દ્વારા ફેલાવવામાં આવતા કચરા મામલે ઘણા સમયથી યોગ્ય અભિયાન ચલાવી રહ્યું છે. દર વર્ષે લીલી પરિક્રમા બાદ વેફરના પડીકા, પાણીની બોટલો સહિતનો કચરો ગીરમાં ફેલાઈ છે. જે પર્યાવરણને ખુબજ નૂકશાન કરે છે. માટે આ પ્રદૂષણ અટકાવવા વન તંત્ર સાથે મોરારીબાપુ પણ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે સોશ્યલ મીડિયા પર સિંહ સાથેની તસ્વીરોથી મોરારીબાપુને મુશ્કેલીમાં મુકવાના પેંતરા કેટલાક તત્ત્વો ઘડી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.
પૂજય સંત મોરારીબાપુએ પરિક્રમા વિશે વાત ‘અબતક’ સાથે કરતા જણાવ્યું હતું કે, યાત્રામાં પદયાત્રાનું ખૂબજ મહત્વ છે અને જયારે પદયાત્રા પણ કોઈ પરમ તત્ત્વને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હોય તો તેનું બહુજ મહત્વ છે. કેટલાઈ સમયથી ગીરનાર દેવની પરિક્રમા થાય છે અને મેં પણ વર્ષો પહેલા લીલી પરિક્રમા કરી છે જે એક શ્રધ્ધાનો વિષય છે.
લીલી પરિક્રમા જે નામ છે તે ખૂબજ સારૂ છે, ઝાડને લીલા રાખીએ તે મહત્વનું છે, લીલી પરિક્રમમાં કોઈ કચરો ન ફેંકીએ તે ધ્યાન રાખવું જરૂરી છે. સાથો-સાથ પ્લાસ્ટીકનો પણ ઉપયોગ ન થાય તે પણ જોવું જોઈએ, કારણ જો પ્લાસ્ટીકનો ઉપયોગ થાય તો માલઢોર તેનું સેવન કરે છે જેથી અનેકવિધ તકલીફનો સામનો કરવો પડે છે. સરકાર, સમાજો, સંસ્થાઓ તેમની ફરજ બજાવતા હોય છે પરંતુ યાત્રીકોની પણ ફરજ છે કે જેટલી બને એટલી ઓછી ગંદકી થાય, સ્વચ્છતા રહે, પર્યાવરણને નુકશાન ન થાય અને જયારે લોકો પદયાત્રા કરે છે તો તે નિયમોસર કરે તે પણ જરૂરી છે. ૨૧મી સદીનો એક જ નિયમ છે, પર્યાવરણ બચે, અસ્વચ્છતા ન થાય, ગંદકી ન થાય, વન્ય પ્રાણીઓને નુકશાન ન થાય અને વનસ્પતિને નુકશાન ન થાય આ પરિક્રમાનાં વ્રતો છે.