નગરપાલિકા કોઈ પગલા ન લેતા પાંચ યુવકે ઝેરી પીણુ પી લેતા બેને રાજકોટ ખસેડાયા
ગોંડલનાં મોટી બજારની બાવાબારી શેરીમાં ૬ માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યુ હોય જેની સામે અનેક રજૂઆત છતા પણ નગરપાલીકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. અને યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌંહાણ દ્વારાત્રણ દિવસ અગાઉ અપાયેલ ચીમકી મુજબ પાલીકા કચેરીએ પહોચી ઝેરી પદાર્થ ભરેલી બોટલો મોઢે માંડી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ વેળા બંદોબસ્ત રહેલ પોલીસે પાંચે યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમારને વધુ અસર થયેલ હોય રાજકોટ ખસેડાયા હતા.