હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સને ઝડપવા ગયેલા પોલીસ સ્ટાફના લમણે રિવોલ્વર રાખી ફાયરીંગનો કરાયો પ્રયાસ: કુખ્યાત શખ્સની પત્નીએ કોન્સ્ટેબલ પર કુહાડી કર્યો હુમલો
અબડાસા તાલુકાના આરીખાણા વાડી વિસ્તારમાં હત્યા અને પોલીસ પર હુમલા કરવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા લતીફ નુરમામદ કકલ નામનો શખ્સ આરીખાણા વાડી વિસ્તારમાં છુપાયો હોવાની બાતમીના આધારે કોઠારા અને એલસીબી સ્ટાફે દરોડો પાડયો ત્યારે કુખ્યાત લતીફે એલસીબીના કોન્સ્ટેબલના લમણે રિવોલ્વર રાખી બેવાર ફાયરીંગનો પ્રયાસ કર્યો હતો. સદનશીબે મીસ ફાયર થઈ જતાં લતીફની પત્નીએ કોન્સ્ટેબલને કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. ઝપાઝપી દરમિયાન લતીફ નાસી છૂટયો હતો અને તેની પત્ની ઝરીનાને પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના આરીખાણામાં અબ્બાસ હાજી અભુભખરની વાડીમાં શંકાસ્પદ ગેર પ્રવૃતિ ચાલી રહી હોવાનું અને ત્યાં શંકાસ્પદ વ્યક્તિની હાજરી હોવાની બાતમી એલઆઈબી કોઠારા પોલીસને આપતાં રવિવારે રાત્રીના કોઠારા પોલીસ ટુકડી સ્થળ પર ગઈ હતી. વાડી બહાર જીપ ઉભી રાખી વાડીમાં આવેલી બંધ ઓરડીનો દરવાજો ખખડાવતાં લતીફ નુરમામદ કકલ નામના આરોપીએ દરવાજો ખોલીને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ સરતાનભાઈ દેસાઈ (ઉ.વ.૨૭) પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. જો કે, કુહાડીના ઘાથી બચવા સંજય દેસાઈએ હાથ આડો મુકી દેતા તેને કોણીના ભાગે ઈજા પહોંચી હતી. પોલીસે આરોપીને પકડવા જતાં ઝપાઝપી થઈ હતી. જેમાં મૂળ બચાઉના લતીફ નુરમામદ કકલે પોલીસ કર્મચારી સંજયભાઈના લમણે દેશી પિસ્તોલ તાકીને બે વખત ફાયરીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, બે વાર ટ્રીગર દબાવ્યા છતાં ગોળી ના છૂટતાં કોન્સ્ટેબલનો આબાદ બચાવ થયો હતો. ઝપાઝપી દરમિયાન ઓરડીમાંથી આરોપીની પત્ની ઝરીના મોટી છરી લઈ સંજય દેસાઈ પર વાર કરવા ધસી આવી હતી. જો કે, તે સમયે હિતેન્દ્રભાઈ ગઢવી તથા અન્ય કોન્સ્ટેબલ વચ્ચે પડયા હતા જેમાં ઝરીનાએ હિતેન્દ્ર ગઢવી પર પણ જીવલેણ હુમલો કરવાની કોશીષ કરી હતી.
જો કે અન્ય પોલીસ જવાનોએ તેને પકડી પાડી હતી. જયારે અંધારાનો લાભ લઈ આરોપી લતીફ નાશી છૂટયો હતો. પોલીસે ઝરીનાની ધરપકડ કરી છે. વાડીમાંથી પોલીસે દેશી પિસ્તોલ, બે કારતૂસ, એક કુહાડી અને સ્વીડન બનાવટની એક છરી કબજે કરી છે. આરોપી લતીફને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. બનાવની જાણ થતાં પશ્ર્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્ટાફ દોડી ગયો હતો.