સમર્થકોએ મીઠાઈઓ વહેચી ફટાકડો ફોડી ઉજવણી કરી: પ્રથમ ટર્મમાં જ મંત્રી બનતા અરવિંદભાઈને લાગી લોટરી

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના યુવા અને જાગૃત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અરવિંદભાઈને મંત્રી પદ મળતા સામાકાંઠે જાણે દિવાળી આવી હોય તેવો જલ્સો જોવા મળ્યો હતો. સમર્થકોએ મીઠાઈ ખવડાવી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. સાથે સાથે મીઠાઈની પણ વહેંચણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી જશ્ન ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ ટર્મમાં મંત્રી બનતા અરવિંદભાઈ લોટરી લાગી છે. પક્ષ પ્રત્યેની નિસ્વાર્થ નિષ્ઠા અને લોક સમસ્યા હલ કરવા માટે સતત જાગૃતતાના કારણે તેઓને રાજ્ય સરકાર દ્વારા મંત્રી બનાવવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

2010થી 2020 સુધી સતત બે ટર્મ નગર સેવક તરીકે અરવિંદભાઈ રૈયાણીએ પ્રજાના કામો કરવામાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દીધી હતી. લોકસેવા કરવાનો ઉત્સાહ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોતા તેઓને વર્ષ 2017માં રાજકોટ પૂર્વ બેઠક પરથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. તેઓએ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળ રહ્યાં હતા અને તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. ચાર વર્ષથી ધારાસભ્ય તરીકે તેઓ સતત લોકોની વચ્ચે રહી કામ કરી રહ્યાં છે. કોરોના કાળમાં પણ લોકોને ઓક્સિજન પૂરો પાડવા, દવા પૂરી પાડવા, રાશન પૂરું પાડવા સહિતની અનેક સેવા કરી હતી. કોર્પોરેટર અને ધારાસભ્ય એમ બન્ને જવાબદારી હોવા છતાં તેઓએ સતત ત્રણ વર્ષ સુધી બખુબી આ જવાબદારી નિભાવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે.  નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

અરવિંદભાઈ રૈયાણીને મંત્રી બનાવતા હોવાની વાત માલુમ પડતાની સાથે જ મોટી સંખ્યામાં સમર્થકો તેના કાર્યાલય અને નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા. સમર્થકોએ એક-બીજાને મીઠાઈઓ ખવડાવી ખુશીઓ વ્યકત કરી હતી. સાથો સાથ જાણે દિવાળી હોય તેવી રીતે ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. સમર્થકો એવી પણ આશા વ્યકત કરી હતી કે, મંત્રી તરીકે અરવિંદભાઈ રૈયાણી રાજકોટની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવતા રહેશે અને પરિશ્રમની પરાકાષ્ટા સર્જી લોકપયોગી કામ કરતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.