વિશ્વની મહત્વની પાર્લમેન્ટરી બેઠકમાં એક ગણાતી કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશનની બેઠક આ વર્ષે ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાશે. આ બેઠક તારીખ 3 થી 8 નવેમ્બર સુધી યોજાશે. કોમનવેલ્થના સભ્ય બનેલા તમામ દેશ અને રાજ્ય આ બેઠકમાં સભ્ય તરીકે હોય છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત પાર્લમેન્ટરી એસોશીએશનના પ્રમુખ વિધાનસભા અધ્યક્ષ છે. જેથી ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાનારી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે અધ્યક્ષ સાથે ગુજરાતના બે ધારાસભ્ય અનિરુધ્ધ દવે તેમજ શૈલેષ પરમાર ઓબ્ઝર્વર તરીકે જોડાઈ બેઠકમાં સહભાગી બનશે. આ બેઠકમાં કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશનના ચેરમેનની ચુંટણીમાં અધ્યક્ષ મત આપી શકશે. જ્યારે બેઠકમાં કોન્ફ્રેન્સની થીમ આધારિત વિવિધ પેનલ ડિસ્કશનમાં ભાગ લેશે.
કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન સૌથી જૂની સંસ્થાઓમાંથી એક છે. 1911માં તેની સ્થાપના થઈ હતી. કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન લિંગ, જાતિ, ધર્મ કે સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના એક પ્લેટફોર્મ પર તમામ સભ્યોને એકસાથે લાવે છે. જે સુશાસન, લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોને સમર્થન આપવા કામ કરે છે. આ એસોસિએશન 56 દેશોના 180 થી વધુ વિધાનસભાનું બનેલું છે. જે સંસદીય પ્રણાલી અને સંસદીય બાબતોની સારી પ્રથાઓ અમલીકરણની ચર્ચા માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.