મૃતક લાલદાસબાપુએ ઉછી
ના પૈસા ન આપતા હથોડી મારી હત્યા કર્યાની કબુલાત: પોલીસને ગેરમાર્ગે દોરવા મહંતના રૂમનો દરવાજો દોરીની મદદથી અંદરથી બંધ કર્યો અને આરોપીએ લોહીવાળા કપડા આશ્રમમાં જ સળગાવી નાખ્યા
ધોરાજીના જામ કંડોરણા રોડ પર આવેલી સકુરા નદીના કાંઠે નરસંગ આશ્રમની ભેદી રીતે થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા રીઢા તસ્કરને રૂરલ પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો છે. આશ્રમના મહંત પાસે ઉછીના પૈસા માગતા ન આપવાના કારણે કાવતરૂ રચી હત્યા કર્યા બાદ મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાની તેમજ પોતાના લોહીવાળા કપડા આશ્રમમાં જ સળગાવી મહંતના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોલીસને ગેર માર્ગે દોરવા પ્રયાસ કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના નરસંગ આશ્રમના ૮૦ વર્ષની ઉમરના મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુની ગત તા.૨૧મી સપ્ટેમ્બરે લાશ મળી આવી હતી. મહંતની લાશ મળી તે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ હોવાથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ડીવાય.એસ.પી. ભરવાડ સહિતના સ્ટાફે નરસંગ આશ્રમે પહોચી નિરિક્ષણ કર્યા બાદ પોલીસની જુદી જુદી ટીમ બનાવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ધોરાજી પી.આઇ. એમ.વી.ઝાલા સહિતના સ્ટાફે નરસંગ આશ્રમ ખાતે અવાર નવાર આવતા શખ્સોની યાદી બનાવી પૂછપરછ હાથધરી હતી. આશ્રમે મહંત પાસે આવતા મુળ જામજોધપુરના વતની અને ભિક્ષુક બનેલા હરેશ ઉર્ફે હકો ઉર્ફે બાડો ઉર્ફે રમેશ કેશવદાસ દેવમુરારી નામના શખ્સ ધોરાજીમાં દેખાતો ન હોવાથી તેને ભાણવડ ખાતેથી ઝડપી પૂછપરછ કરતા તેને મહંત લાલદાસબાપુની હત્યા કર્યાની કબુલાત આપતા તેની ધરપરડ કરી હતી.
૩૫થી વધુ ચોરીના ગુનામાં છેલ્લા દસ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ અઢી વર્ષ પહેલાં જેલમાંથી છુટી ધોરાજી આવ્યો હતો અને અવાર નવાર નરસંગ આશ્રમે મહંત લાલદાસબાપુ પાસે જતો હતો હકાને પૈસાની જરૂરી હોવાથી મહંત લાલદાસબાપુ પાસે પૈસાની માગણી કરતા તેઓએ ઉછીના પૈસા આપવાનો ઈન્કાર કરી હકાને કડક શબ્દમાં ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા હત્યાનો પ્લાન બનાવી ગત તા.૨૧મીએ રાતે આશ્રમ ખાતે પહોચી ગયો હતો.
મહંત લાલદાસબાપુ આશ્રમનો મુખ્ય દરવાજો હમેશા બંધ રાખતા હોવાથી નદી માર્ગે આશ્રમમાં પહોચી વહેલી સવારે મહંત લાલદાસબાપુ પાણી માટે જાગ્યા ત્યારે તેના માથામાં અને ગળા પર હથોડી અને લોખંડના પાઇપ જેવા હથિયારથી હુમલો કરી હત્યા કર્યા બાદ તેના મનો દરવાજાની સ્ટોપરને દોરી બાંધી ઝાળીની મદદથી બહારથી ખેચી દરવાજો અંદરથી બંધ કર્યો હતો.
મહંત લાલદાસબાપુ પર હથોડી અને પાઇપથી હુમલો કરતા પોતાના લોહીવાળા કપડા ખરડાયા હોવાથી આશ્રમ ખાતે જ સળગાવી નાખ્યા હોવાથી પોલીસ સ્ટાફે આશ્રમ ખાતે તાંત્રિક વિધી માટે હત્યા થયાની શંકા સાથે તપાસ કરી હતી પણ હકો છેલ્લા એકાદ સપ્તાહથી ધોરાજીમાં જોવા ન મળતા તેને શોધી કરેલી પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
મહંત લાલદાસબાપુની હત્યા કર્યા બાદ આશ્રમમાંથી રૂ.૮ હજારની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હોવાથી પી.આઇ. એસ.વી.ઝાલાએ હકા સામે એટ્રોસિટી અને લૂંટની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી છે.