તાજેતરની વૈશ્વિક મહામારીમાં સૌથી પહેલા બંધ થયેલું કલાજગત તમામ વેપાર ધંધાઓ શરૂ થઇ ગયા છતાં હજી શરૂ નથી થઇ શક્યું. ગુજરાત ના નાટકો, સંગીત, નૃત્ય, હાસ્ય જેવી વિવિધ કલા સાથે સંકળાયેલા લાખો કલાકારો અને સાઉન્ડ, લાઇટ્સ, ડેકોરેશન જેવા વ્યવસાય સાથે કલાજગત સાથે પુરક રીતે સંકળાયેલા લાખો કસબીઓ આજે બેકારીની પરાકાષ્ઠા એ પહોંચી ગયા છે.
ગુજરાતી કલાજગત સાથે સંકળાયેલા અને હંમેશા કલાકારો માટે અવાજ ઉઠાવતા કલાકાર અભીલાશ ઘોડા એ આ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે કલાજગતના ધારાસભ્ય હીતુ કનોડીયા એ પણ અભિલાષ ઘોડા ની આ ચિંતા માં પોતાનો સુર પુરાવ્યો છે.
કનોડીયા એ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એક પત્ર લખી કલાકારો ની પરીસ્થીતી નો ચિતાર આપ્યો છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ગુજરાત નો કલાકાર અત્યારે મહા મુશ્કેલી નો સામનો કરી રહેલ છે. નવરાત્રી હાલના સંજોગોમાં થઇ શકે તેમ નથી તો સરકાર તરફથી કોઇ આર્થિક પેકેજ આપવામાં આવે.
અભિલાસ ઘોડા એ મેં મહિના માં જ રાજ્ય સરકાર ને એક પત્ર લખી કેટલાક સુચનો પણ કરેલા જે અંગે પણ રાજ્ય સરકાર ગંભીરતાથી વિચાર કરે તેવી તેમની લાગણી છે.સરકાર ને કરેલી રજુઆત માં રાજ્યમાં ઓડીટોરીયમ, સીનેમા ઘરો તથા ફિલ્મો અને ટેલિવિઝન ના શુટિંગ શરૂ થઇ શકે તે બાબતે કેટલાક સુચનો પણ રજુ કર્યો છે.
અભિલાષ ઘોડા એ રાજ્ય સરકાર ને વિનંતી કરતા કહ્યું છે કે નવરાત્રી માં કોઇપણ મોટા આયોજનો થાય તેને અમે પણ સમર્થન કરતા નથી. રાજ્ય સરકાર ને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ જ કલાકારો હાજર થયા છે. લોક ડાઉન દરમ્યાન લોકોને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ પણ ઓનલાઇન કાર્યક્રમો દ્વારા કલાકારો એ જ પુરૂં પાડ્યું છે. આપણે જાણીએ છીએ કે આત્મહત્યા ના કીસ્સાઓ કલાજગતમા શરૂ થયા છે આવા કીસ્સાઓ વધે નહીં તેનો આમને ડર છે. અમે એ પણ જાણીએ જ છીએ કે રાજ્ય સરકાર સામે પણ મોટા પડકારો છે. દિવસે દિવસે વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. સરકાર સામે અમારો કોઇ જ વિરોધ નથી જ પરંતુ એક માત્ર અટકેલા ક્ષેત્ર માટે જલ્દી માં જલ્દી એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર થાય તેવી અમે કરબધ્ધ પ્રાર્થના કરીએ છીએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે અભિલાષ ઘોડા સાથે મ્યુઝીકલ આર્ટીસ્ટ રિક્રીએશન ક્લબ, સંગીત કલાકાર સંગઠન, ઓલ મ્યુઝીક આર્ટીસ્ટ ફાઉન્ડેશન જેવી ગુજરાત ની માતબર અને અધીકૃત સંસ્થાઓ જોડાયેલી છે અને આ સંસ્થાઓના હજારો કલાકારો સરકાર ની એક જાહેરાત માટે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે.