નોર્મલ કેટેગરી સામે છત્તીસગઢનું લોકનૃત્ય રજૂ કરી ત્રીજો ક્રમાંક મેળવ્યો
ટ્રોફી સાથે વિજેતાઓ આવ્યા ‘અબતક’ના આંગણે
ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા દર વર્ષે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી શકિતઓને ખીલવવા માટે કલા ઉત્સવના માધ્યમ દ્વારા સ્ટેજ પૂરૂ પાડવામાં આવે છે. આ અંગેનું આયોજન રાજયનાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન દ્વારા કરવામા આવે છે. આ વખતના કલા ઉત્સવ ૨૦૧૭માં રાજકોટની સંસ્થા છ.શા. વિરાણીક બહેરા મૂંગા શાળા સંચાલીત ડો. પી.વી. દોશી મૂક બધીર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ (મૂક બધિર) બાળકોએ નોર્મલ બાળકોની સાથે ભાગ લીધેલ.
આ કલા ઉત્સવમાં ભારત સરકાર તરફથી બીજા રાજયની કૃતિ તૈયાર કરવાની તક આપવામાં આવે છે. આ વખતેની થીમ ‘એક ભારતે શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત ગુજરાત રાજયને આ વખતે ‘છતીસગઢનું લોકનૃત્ય’ રજૂ કરવાની તક મળેલી. ખૂબ જ કઠીન કામ અને ભાષા, લોકનૃત્યના શબ્દો, તેનો અર્થ સમજવામાં સામાન્ય લોકોને પણ ઘણા દિવસો લાગી જતા હોય તેવી પરિસ્થિતિમાં સંસ્થાના ડાન્સ ટીચર હંસિલભાઈ ટાંક એ આ બાળકોને ખૂબજ ટુંકા ગાળામાં છતીસગઢનું લોકનૃત્ય તેની મૂળ શૈલીમાં જ રજૂ કરવા મહેનત કરી હતી.
લોકનૃત્યનો પરંપરાગત પહેરવેશ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા બાળકોએ શીખી પોતે જાતે જ તૈયાર કર્યો હતો આ સુવા લોકનૃત્યમાં પોપટની જોડ શિવપાર્વતીનાં પ્રતિક રૂપે તૈયાર કરી સુંદર રીતે શરગારી બહેનો સમુહમાં ખેતરમા જઈ ગીત દ્વારા પૂજા અર્ચન કરતાં હોય છે.જેનું આબેહુબ વર્ણન આ દિવ્યાંગ બાળકોએ કર્યું હતુ.
શાળાના ડાન્સ ટીચર હાથના ઈશારાથી સ્ટેપ સમજાવ્યા અને બાળકોએ સ્ટેપ ગણીને રાખ્યા, કોમ્પીટીશન દરમ્યાન ડાન્સ ટીચરે હાથના ઈશારા કરી આખો ડાન્સ કર્યો જે નેશનલ કક્ષાના જજ માટે પણ સારો અનુભવ હતો. સંપૂર્ણ ગાઈડન્સ ગુજરાત રાજયનાં ડાન્સના જજ મયંકભાઈ દવે ખૂબજ મૂદાપૂર્વક સમજાવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ શકય બન્યું હતુ.
આ છતીસગઢની લોકનૃત્ય કૃતિ તૈયાર કરવા માટે શાળાના આચાર્ય કશ્યપભાઈ ડી. પંચોલીના માર્ગદર્શન હેઠળ ડાન્સ ટીચર હાંસિલભાઈ શિક્ષીકાબહેન , ક્રિશ્ર્નાબેન મોજીદ્રા બધિર ટીચરો હિરેનભાઈ પંડયા, અશોકભાઈ કુકડીયા, માલતીબેન કુકડીયા તથા સાથક્ષ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી. ઈ-પ્રોજેકટની તૈયારી માટે બાલભવનના પલ્લવીબેન વ્યાસએ તથા વિડિયોગ્રાફી માટે પ્રફુલ્લભાઈ વસોયાએ સેવા આપી હતી.
આ કૃષિ સૌ પ્રથમ શાળા કક્ષાએ પ્રથમ વિજેતા બની. ત્યારબાદ જૂનાગઢ ખાતે ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા બની ત્યારબાદ હિંમતનગર ખાતે રાજયકક્ષાએ પ્રથમ વિજેતા બની હતી તા.૫ના ગુજરાતનું પ્રતિનિધિત્વ લઈ આ બાળકો ભોપાલ ખાતે નેશનલ કોમ્પીટીશનમાં ૩૬ રાજયોની લોકનૃત્ય કૃતિ વચ્ચે પૂરા જીમ અને ઉત્સાહ સાથે પરફોર્મન્સ આપી સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે વિજેતા બની અને હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટના મંત્રી ઉપેન્દ્ર ખુશવાલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. જેના ખરા હકકદાર દિવ્યાંગ મૂક બધીર સ્પર્ધકો તૃપ્તી મગનભાઈ ચાવડા, હિરલ રાયધનભાઈ ગુજરીયા, સંગીતા એભાભાઈ ચાંડપા, મુનીબેન એભાભાઈ ચાંડપા, કંચન હરદાસભાઈ ચુડાસમા, ધારા પરસોતમભાઈ સાવલીયા, ખુશાલી રમેશભાઈ કાનપરીયા અને ચાંદની શૈલેષભાઈ ભેંસાણીયા બને છે.
ટ્રસ્ટના પ્રમુખ રજનીભાઈ બાવીશી, માનદમંત્રી હસુભાઈ જોશી, પ્રફૂલ્લભાઈ ગોહિલ વિગેરેએ વિજેતાઓને શુભેચ્છા આપી હતી.