તાલાલા પંથકની કેરીના 15 બોક્સ આવ્યા: ભાવ રૂા.2500 થી રૂા.3500 બોલાયો

કેરી રસીયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાળા પંથકની કેસર કેરીનું આગમન થયું છે. ગઈકાલે કેસર કેરીના 15 જેટલા બોક્સની જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને 10 કિલોના રૂ. 2500 થી 3500 રૂપિયા ભાવ બોલાયા હતા.

આ વખતે 30 ટકા થી વધુ કેરીનું ઉત્પાદન વધવાની શક્યતાઓ છે, અને હજુ કેરીની સીજન વિધિવત રીતે શરૂ થવા આડે એકાદ સપ્તાહનો સમય બાકી છે. ત્યારે ગઈકાલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાળા પંથકની કેસર કેરીના 15 જેટલા બોક્સની આવક થઈ હતી અને તેમની હરાજી થતા 10 કિલોના રૂ. 2500 થી રૂ. 3500 ના ભાવ બોલાયા હતા. આજે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર ભારતની સાથે વિશ્વભરમાં કેરીના સ્વાદ રશિયાઓ કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમાય ખાસ કરીને સોરઠ અને ગીર પંથકની મીઠી મધુર અને સોડમથી રસાતુર એવી કેસર કેરીનો રસાસવાદ કંઈક અલગ હોય છે. ત્યારે ફળોની રાણી કેસર કેરીના સોરઠ પંથકમાં 23,333 હેક્ટરમાં આંબાના બગીચાઓ આવેલા છે. તથા જુનાગઢ જિલ્લામાં 8600 હેક્ટર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન થાય છે.

જો ગત વર્ષની વાત કરીએ તો, સોરઠા પંથકમાં ગત વર્ષે 1,56,533 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું અને આ વખતે તો 30 ટકા થી વધુ કેરીનું ઉત્પાદન થાય તેવું કૃષિ નિષ્ણાંતો અને ખેડૂતો જણાવી રહ્યા છે, ત્યારે દર વર્ષે કરતા આ વર્ષે કેરીના ભાવ પણ ઘટશે અને કેરી રશિયાઓ કેરીની સીઝન શરૂ થવાની સાથે છેક કેરીની સીઝન પૂરી થશે ત્યાં સુધી મન ભરીને સસ્તી અને સારી કેરીનો રસાસ્વાદ માણી શકશે.

કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે વાવાઝોડા તથા વાતાવરણની ભિન્ન ભિન્ન અસરોને કારણે આંબાવાડીઓમાં અમુક આંબાઓમાં વહેલી કેરીના મોર બંધાયા હતા. તો અમુક આંબાઓ મોડેથી ખીલ્યા હતા, જેના કારણે આ વખતે કેરીની સીઝન પણ લાંબી ચાલશે તથા કેરી અને આંબાને ઋતુની ભિન્નભિન્ન અસર થવાથી આ વખતે કેરી વિપુલ પ્રમાણમાં આવવાની શક્યતાઓ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.