ધૂમ…ધડાક…નો અવાજ કાને સંભળાવવા લાગ્યો છે. દિવાળીનો માહોલ રંગ પકડી રહ્યો છે. સૌનો પ્રિય એવા દિપાવલીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો દિવાળીની તમામ તૈયારીઓ કરવા લાગ્યા છે. નવા કપડા, બૂટ-ચપ્પલ, જવેલરી,ગૃહ સુશોભન માટે હાર તોરણ, દીવડા રોશની મુખવાસ વગેરેની પૂરજોશમાં ખરીદી શરૂ થઈ ગઈ છે.
દિવાળીમાં આ બધુ તો હોય જ પરંતુ એક ફટાકડા વગર દિવાળીનો તહેવાર ચોકકસ અધૂરો ગણી શકાય. દરેકના ઘરમાં નાના બાળકો, યુવાનો-યુવતીઓ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરે છે. દિવાળી અગાઉ જ રોડ રસ્તા શેરી ગલીઓમાં બાળકો રાત્રીનાં ફટાકડા ફોડવા માંડે છે. બાળકોને એક બાજુ વેકેશન અને દિવાળીના દિવસો નજીક હોય વિવિધ ફટાકડાઓ ફોડવાની બહુ મજા પડી જાય છે.
મોંઘવારી પ્રમાણે ફટાકડાના ભાવમાં ચોકકસ વધારો થાય છે.તેમ છતાં થોડા ઘણા બોમ્બ, ફટાકડાઓ ફોડી ઉલ્લાસભેર પર્વ ઉજવાઈ છે. બાળકો માટે તો અનેક પ્રકારનં ફટાકડા બજારમાં આવી ગયા છે. ફુલઝરથી લઈ સુતરી બોમ્બ, રોકેટ વગેરે ફટાકડાની ખરીદી પણ શરૂ થવા લાગી છે. ચાંદલીયા, ફુલઝર, શંભુ, લવીંગયા, ભમચકરડી, દેરાણી-જેઠાણી, તારા મંડળ, રોકેટ, લક્ષ્મી બોમ્બ, વ્હીસલ, સુતરી બોમ્બ, મીર્ચી બોમ્બ, ૫૫૫, પોપપોપ, ચકલી બોમ્બ સહિત નાના મોટા અનેક ફટાકડાઓ દુકાનોમાં આવી ગયા છે. અને ખરીદી પણ ધીમેધીમે શરૂ થઈ રહી છે.