બજારોમાં મર્યાદિત આવક: કિલોના 300થી લઈને 500 સુધીના ભાવ
ઉનાળાના આરંભે ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ગયું છે. જો કે હાલ બજારોમાં મર્યાદીત આવક હોય કિલોના રૂ. 300થી લઈને 500 સુધી ભાવ બોલાઈ રહ્યા છે. આ દરમિયાન કેરી રસિકોએ અત્યારથી જ કેરી આરોગવાના શ્રીગણેશ કરી દીધા છે.
હાલ શિયાળે અલવિદા કહી દીધી છે. ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ગરમીનું પ્રમાણ પણ એકંદરે વધી રહ્યું છે. જેને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની બજારોમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. હાલ બજારોમાં કેરીની મર્યાદિત આવક જ નોંધાઇ છે. રાજકોટમાં જ્યૂબેલી માર્કેટની અંદર હાલ 40થી 50 પેટી જ કેરીની આવક નોંધાઇ છે. જ્યારે મેંગો માર્કેટમાં વિવિધ વેપારીઓને ત્યાં અંદાજે એક ટ્રક કેરીની આવક નોંધાઇ છે. હાલ માત્ર દેવગઢ અને મુંબઈથી હાફૂસ કેરીની જ આવક થઈ રહી છે. જેનો ભાવ રૂ. 300થી લઈને 500 સુધીનો છે. કેરીરસિકોએ અત્યારથી જ રોજ કેરીની લિજ્જત માણવાનું શરૂ કરી દીધું છે. વેપારીઓના જણાવ્યાં અનુસાર હજુ આવક મર્યાદિત છે. ભાવ ઉતરવામાં હજુ થોડા દિવસ ગ્રાહકોએ રાહ જોવી પડશે.