પૂજન-અર્ચન અને મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર: ૧૧ દિવસ શહેર રહેશે ગણપતિમય
દરેક શુભ કાર્યની શ‚આત જેમના સ્મરણ અને પૂજનથી થાય છે. તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિના પર્વ ગણેશ ચતુર્થી નિમિત્તે સમગ્ર શહેરમાં ધર્મોલ્લાસ છવાયો છે. ફેશન અને આધુનિકતા સાથે સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય ધરાવતુ શહેર રાજકોટ ગણપતિમય બન્યું છે. ગણેશ પંડાલમાં અને ઉત્સવનો માહોલ છે. ૧૦ દિવસ સુધી શહેરમાં “ગણપતિ આયો બાપા, રિધ્ધિ-સિધ્ધિ લાયોના સુર ગુંજશે.
રાજકોટમાં ૧૯૩૦માં મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયા બાદ આજે ૪૫૦થી વધુ સ્થળોએ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શહેરમાં ત્રિકોણબાગ, શાસ્ત્રી મેદાન, ચંપકનગર, રૈયા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોંડલ રોડ, કાલાવાડ રોડ, અક્ષર માર્ગ સહિતના અનેક મુખ્ય માર્ગો નજીક વાજતે-ગાજતે ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ઠેર-ઠેર પૂજન-અર્ચન-આરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. ભક્તિભર્યા માહોલમાં દુંદાળા દેવની શોભાયાત્રા પણ નીકળશે. મોદકની પ્રસાદીનું વિતરણ પણ થશે.