વીડીની જમીન સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈ ખેડૂતના નામે ચડાવી દેવાના કૌભાંડમાં અધિક કલેકટર સહિત છ રેવન્યુના અધિકારીઓ સામે ગુનો નોંધાયો’તો: સુપ્રીમ કોર્ટે વિજય ચૌહાણના આગોતરા રદ્દ કરતા થયા પોલીસના શરણ
ચોટીલા તાલુકાના જીવાપર અને બામણબોર ગામની કરોડોની કિંમતી સરકારી વીડીની જમીન મુળ માલીકના નામે ચડાવી દેવાના કૌભાંડમાં સંડોવાયેલા ચોટીલાના તત્કાલીન નાયબ કલેકટર વિજય ચૌહાણની સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા પોલીસને શરણે થતાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ચોટીલા-રાજકોટ માર્ગ પર આવેલા બામણબોર અને જીવાપર ગામની સરકારી વીડીની જમીનને સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈ મહેસુલી અધિકારી અને મળતીયાઓએ મુળ ખેડૂતના નામે ચડાવી દેવાના કૌભાંડના રાજકોટ કલેકટર દ્વારા કરાયેલા તપાસમાં થયેલા પર્દાફાશ બાદ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા સુરેન્દ્રનગરના અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેકટર વિજય ચૌહાણ, તત્કાલીન નાયબ મામલતદાર જે.એલ.ખાડવી, માનસિંહ રાઠોડ, મુળીના તત્કાલીન નાયબ મામલતદાર વાસુરભાઈ ખાચર, દિપક પંજવાણી અને કૌભાંડમાં સંડોવાયેલા ત્રાહિત વ્યક્તિ પ્રભાત, દેવાયત સિંધવ, સુભાષ બોદર તેમજ ખેડૂત રાજેશ ખાચર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ધરપકડની દહેશતથી ચોટીલાના તત્કાલીન નાયબ કલેકટર વિજય ચૌહાણના હાઈકોર્ટે આગોતરા જામીન નામંજૂર થતાં વિજય ચૌહાણ સુરેન્દ્રનગર એસીબી સમક્ષ રજૂ થતાં અધિકારીઓએ ધરપકડ કરી વધુ તપાસ માટે માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ ગુનાની તપાસ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ. પી. દોશીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.