ઘર ખર્ચના પૈસા ન હતા અને ઇદ માટે કપડા લઇ દેવાની પત્નીએ માગણી કરતા ઝઘડો થયાની કબુલાત
શહેરના ભગવતીપરા મસ્જીદ પાસે રહેતા મુસ્લિમ દંપત્તી વચ્ચે ઘર ખર્ચના પૈસા ન હતા ત્યારે પત્નીએ ઇદ માટે કપડા લઇ આપવાની માગણી કરતા દારૂના નશામાં રહેલા પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયેલા પતિની ધરપકડ કરી છે. પતિએ પોતાની પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં હુસેનીયા મસ્જીદ પાસે રહેતી રૂકસારને તેના પતિ ઇકબાલ બાબુ જુણેજાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા રૂકસારના પિતા ગુલામ રસુલ ભટ્ટીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
રૂકસારના પ્રથમ લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા બાદ પતિને દારૂ પીવાની ટેવ હોવાના કારણે ત્રણ જ માસમાં છુટાછેડા કર્યા બાદ ભગવતીપરાના ઇકબાલ બાબુ જુણેજા સાથે પુન: લગ્ન થયા હતા. ઇકબાલ જુણેજાના પણ બે અઢી વર્ષ પહેલાં મામાની પુત્રી સાથે પ્રથમ લગ્ન થયા બાદ ઇકબાલને દારૂ પીવાની કુટેવ હોવાના કારણે પ્રથમ પત્નીએ છુટાછેડા લીધા હતા.
ઇકબાલ જુણેજાના છુટાછેડા થતા તેની ભાભી સુલતાના હુસેને ‚કસાર સાથે પુન: લગ્ન કરાવ્યા ત્યારે ઇકબાલ જુણેજા દારૂ પીતો ન હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ ઇકલાબ દારૂ પીતો હોવાનું અને કંઇ કમાતો ન હોવાથી રૂકસાર અને તેના પતિ ઇકબાલ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગત તા.૨૪મીએ રાતે રૂકસારે ઘર ખર્ચ માટે પૈસા માગ્યા હતા અને ઇદ માટે નવા કપડા લઇ આપવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થતા દારૂના નશામાં રહેલા ઇકબાલ જુણેજાએ તેની પત્ની રૂકસારને છરીના ઘા ઝીંકી પાડોશમાં રહેતી તેની ભાણેજ મેરૂનને હત્યા કર્યા અંગેની જાણ કરી ભાગી ગયો હતો.મેરૂન અને તેની માતા ઝરીનાએ રંગ ઉપવન સોસાયટીમાં રહેતા રૂકસારના માતા-પિતાને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી તે દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
બી ડિવિઝન પોલીસે ગુલામ રસુલ ભટ્ટીની ફરિયાદ પરથી ઇકબાલ બાબુ જુણેજા સામે હત્યાનો ગુનો નોંધી પી.આઇ. વી.જે.ફર્નાડીઝ એ.એસ.આઇ. એમ.ડી.પાદરીયા સહિતના સ્ટાફે ઇકબાલ ઉર્ફે ભુરો બાબુ જુણેજાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ઘર ખર્ચના પૈસા ન હતા અને ઇદ માટે નવા કપડા લઇ આપવાની જીદ કરતા ઘર રહેલી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.