- બન્ને સંસ્કૃતિઓના ખાનપાન, વેષભૂષાથી લઈ વિચારોનું આદાનપ્રદાન
ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધનાર માધવપુર ઘેડના મેળામાં હેન્ડલૂમ, બામ્બૂ ક્રાફ્ટ, કોના ક્રાફ્ટ, શિતલપટ્ટી ક્રાફ્ટ તેમજ અલગ અલગ પ્રકારની વાનગીઓના વિવિધ સ્ટોલના માધ્યમથી બન્ને સંસ્કૃતિઓના ખાનપાન, વેષભૂષાથી લઈ વિચારોનું આદાનપ્રદાન થઈ રહ્યું છે. આ સ્ટોલના માધ્યમથી મિઝોરમ, આસામ, મણિપુર વગેરેથી આવેલા વેપારીઓ, હસ્તકલાના કારીગરોના અનેરાં ઉત્પાદનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ફ્લોરા લાલવમઝૂઆલી ખિંગાટે પણ માધવપુરના મેળામાં પોતાના સ્ટોલ થકી વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યાં છે.
રોશેલ કેન્ડી, મેંગો બાર, બનાના ચીપ્સ, મિઝો ચીલી વગેરે જેવી મિઝોરમની વિવિધ ઓર્ગેનિક અને પૌષ્ટિક વસ્તુઓ ગુજરાતીઓને પસંદ પડી રહી છે.મિઝોરમના તીખાં લાલ મરચાં ઓર્ગેનિક બર્ડ્સ આઈ ચીલી એટલે કે મિઝો ચીલીને પણ ૠઈં ટેગ મળેલું છે. ઓર્ગેનિક મિઝો ચીલી સહિત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતા ફ્લોરાએ જણાવ્યું હતું કે, ‘આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. અને મિઝોરમથી ગુજરાત આવવાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો છે. ગુજરાત એ ખરેખર સુંદર રાજ્ય છે. અહીં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના લોકો પણ એકદમ માયાળુ અને પ્રેમાળ છે.
સખી મંડળની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓનું વેચાણ
લોકમેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખીમંડળો દ્વારા હસ્તકલાની તેમજ જુદી-જુદી હાથવણાટની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા લોકમેળાના માધ્યમથી બહેનો આત્મનિર્ભર થાય તે હેતુથી સખી મંડળોને સ્ટોલ ફાળવવામાં આવેલ છે. જેમાં હેન્ડલુમ ડિઝાઇનના રૂમાલ, શાલ અને હસ્તકલાની વસ્તુઓ ધરવપરાશની તથા ગૃહ સુશોભનની ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. મેળામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્ટોલની મુલાકાત લઇ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોરબંદરનાં નિયામક રેખાબા સરવૈયા દ્વારા બહેનો સાથે સંવાદ કરી તેઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
માધવપુરના મેળામાં મતદાર જાગૃતિ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોએ શપથ લીધા
લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈ સહભાગી બને અને પોરબંદર જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા આશયથી મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા માધવપુરના મેળામાં મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીની ઉપસ્થિતિમાં અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. લોકશાહીના આ મહા પર્વમાં સૌ કોઈ સહભાગી બને તે માટે ચૂંટણી પંચ દ્વારા નિર્મિત ’હું ભારત છું, ભારત છે મુજમા ’શોર્ટ ફિલ્મ પણ મતદાર જાગૃત વિષયક બતાવવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાતા જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, અધિક નિવાસી સહિતના મોટી સંખ્યામાં અધિકારીઓએ મતદાર જાગૃતિના કાર્યક્રમમાં જોડાઇ અવશ્ય મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.