સેનાનું ઓપરેશન ચાલુ: સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ
ભારતીય સેનાનું જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઓપરેશન ચાલુ છે. સશસ્ત્ર આતંકવાદીઓના જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને પગલે ઉરી સેક્ટરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ બંધ કરવામાં આવી છે. આ જ્યારે લખાય છે ત્યારે સેનાનું ઓપરેશન છેલ્લા ૩૬ કલાકથી ચાલી રહ્યું છે.
ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ૩૬ કલાકથી આ વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી કામગીરી ચાલી રહી છે. વધારાના સૈન્ય દળને બોલાવવામાં આવ્યા છે અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. સેનાના જણાવ્યા અનુસાર આ વર્ષે ઘુસણખોરીનો આ બીજો પ્રયાસ છે.
વર્તમાન પરિસ્થિતિ પર એક વરિષ્ઠ આર્મી કમાન્ડરે કહ્યું છે કે, આ વર્ષે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી અને સરહદ પર ઉશ્કેરણીની કોઈ ઘટનાઓ સામે આવી નથી. ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે યુદ્ધવિરામનું કોઈ ઉલ્લંઘન થયું નથી. તેમણે કહ્યું કે, ભૂતકાળની જેમ આ વર્ષે પણ ઘૂસણખોરીના થોડા પ્રયત્નો થયા છે અને તેઓ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. જનરલ પાંડેએ કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકથી ઉરીમાં એક ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અમને લાગ્યું કે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે ઘુશણખોરોને શોધી રહ્યા છીએ.
ઉરી હુમલાની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે મોડી રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ મળી આવ્યો હતો, જે ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ થયો હતો, જ્યારે બે આત્મઘાતી હુમલાખોરોએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં ૧૯ સૈનિકો માર્યા ગયા હતા. ભારતે નિયંત્રણ રેખા પાર સર્જિકલ સ્ટ્રાઈક કરીને જવાબ આપ્યો હતો જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.