POK માં ભારતની એર સ્ટ્રાઈક: ‘જૈશ’ના અડ્ડાઓનો સફાયો
ભારતીય વાયુસેનાએ વહેલી સવારે કરેલી એર સ્ટ્રાઈકમાં સેંકડો આતંકવાદી કેમ્પોનો સફાયો, ટ્રેનીંગ કેમ્પમાં રહેલા ૨૦૦ થી ૩૦૦ આતંકીઓ માર્યા ગયા
પુલવામામાં હુમલાનો ૧૨ દિવસ બાદ ૧૨ મિરાજ લડાકુ વિમાનો દ્વારા ભારતીય વાયુસેનાનું પરાક્રમ: ૧૦૦૦ કિલોના ૧૦ બોમ્બ ઝીંકાયા
રડારમાં આવ્યા વગર લેઝર ગાઈડેડ મિસાઈલથી થયેલા હુમલામાં આતંકવાદી કેમ્પોના ૫૦૦ મીટર જગ્યાનું કચ્ચરઘાણ
સફળ એર સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હુમલા અંગેની સઘન ચર્ચા વિચારણા
પાકિસ્તાની સેનાનો ભારતીય વાયુ સેના પર એલઓસીના ઉલ્લંઘન કર્યાનો આરોપ: હૂમલાનો આકરો જવાબની પાકિસ્તાનની ડંફાસ
કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા બાદ દેશભરમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. જેથી કેન્દ્રની મોદી સરકાર આ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓને આકરો જવાબ આપશે તે નિશ્ચીત મનાતુ હતુ ત્યારે, આજે વહેલી સવાર ૩.૩૦ વાગ્યાની આસપાસ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં આવેલા આતંકવાદી કેમ્પો પર અરેસ્ટ્રાઈક કરી હતી બાર મિરાજ લડાકુ વિમાનો દ્વારા થયેલી આ એરસ્ટ્રાઈકમાં અનેક આતંકી કેમ્પોનો સફાયો અને ૨૦૦થી ૩૦૦ જેટલા આતંકવાદીઓનો ખાતમો બોલી જવા પામ્યો હતો.
પુલવામામાં આતંકી હુમલાના ૧૨ દિવસ બાદ ભારતીય એરફોર્સ ૧૨ મિરાજ લડાકુ વિમાન દ્વારા પાકિસ્તાન હસ્તકમાં કાશ્મીરમાં આવેલા આતંકવાદી કેમ્પો પર આજે વહેલી સવારે હુમલો કર્યો હતો. પાક હસ્તકના કાશ્મીરમાં મુજફફરાબાદ વિસ્તારમાં આવેલા બાલાકોટ, ચકોરી, જૈશે મહંમદ, હિઝબુલ મુઝાહીદીન વગેરે આતંકવાદી સંગઠ્ઠનોના આવેલા ટ્રેનીંગ કેમ્પો પર એરફોર્સે એર સ્ટ્રાઈક કરીને ૧૦૦૦ કિલોના ૧૦ બોમ્બ ઝીંકયા હતા. પાકિસ્તાનના રડારમાં આવ્યા વગર મિરાજ વિમાનો દ્વારા ૪૫ મીનીટ સુધી હાથ ધરાયેલી આ એરસ્ટ્રાઈકમાં તમામ આતંકી કેમ્પોનો ખાતમો બોલી જવા પામ્યો હતો. આ બોમ્બ એટલા તાકાતવાર હતા કે કેમ્પની આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારનો સંપૂર્ણ સફાયો બોલી ગયો હતો.
ભારતીય એરફોર્સ દ્વારા હાથ ધરાયેલી આ એર સ્ટ્રાઈકમાં સેંકડો આતંકવાદી ટ્રેનીંગ કેમ્પો, જૈસે મહંમદના ત્રણ કન્ટ્રોલ રૂમોનો સફાયો બોલી જવા પામ્યો હતો. આ હુમલામાં આ કેમ્પોમાં ટ્રેનીંગ લઈ રહેલા ૨૦૦થી ૩૦૦ જેટલા આતંકવાદીઓના મૃત્યુ થયા હોવાનાં અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારત સરકારના સુરક્ષા સલાહકાર અજીત ડોવલે આજે વહેલી સવારે આ ઓપરેશનની માહિતી આપીને આ હુમલામાં જોડાયેલા તમામ મિરાજ લડાકુ વિમાનો સફળતા પૂર્વક હુમલો કર્યા બાદ પરત ફર્યા હોવાનું જણાવ્યું હતુ ભારતે અચાનક કરેલા આ હુમલાથી પાકિસ્તાની સેના અને સરકાર ચોંકી ઉઠી હતી. પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કરીને આ કાર્યવાહી કર્યાનો આરોપ લગાવ્યો હતો.
ભારતીય વાયુસેનાના આ આક્રમક જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ આપવામા આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સંરક્ષણમંત્રી નિર્મળા સિતારામન, ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે પ્રધાનમંત્રીના કાર્યાલયે જઈને નરેન્દ્રભાઈ મોદીને આ હુમલા અને તેમાં આતંકવાદી કેમ્પોને થયેલા નુકશાન સહિતની તમામ વિગતવાર માહિતી આપી હતી. જે બાદ, આ બેઠકમાં પાકિસ્તાન દ્વારા આવેલા પ્રત્યાઘાતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભારત સરકાર દ્વારા આ એર સ્ટ્રાઈક અંગેની વિધિવત માહિતી આપવામા આવે તેવી સંભાવના છે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે ટવીટ કરીને ભારતીય વાયુસેના પર એલઓસીનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલાની ખબર મળતા પાકિસ્તાન સરકારે તુરંત સેના સાથે ઈમરજન્સી બેઠક યોજવામાં આવી હતી. પાકિસ્તાન સેનાએ ભારતના આ હુમલાનો વળતો જવાબ આપવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો.
પરંતુ પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપે તો ભારત પણ વળતા જવાબો આપે તેવી સંભાવના હોય વિધિવત્ યુધ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે. જે હાલમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોતા તેને પરવડે તેમ નથી. જેથી પાકિસ્તાની સરકાર આ એરસ્ટ્રાઈક બાદ પોતાનો બચાવ કઈ રીતે કરવો તે મુદા પર ચર્ચા વિચારણા કરવા લાગી છે.
ભારતીય વાયુસેનાના આ ઓપરેશનનું ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી સહિત દેશના તમામ રાજકીય પક્ષોએ સ્વાગત કર્યું છે. કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહૂલ ગાંધીએ ટવીટ કરીને વાયુસેનાને સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ આદમી પાર્ટીના વડાઅને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય વાયુ સેનાના સાહસને સલામ કર્યા હતા. રાજદના તેજસ્વી યાદવે વાયુસેના જાંબાંજો પર ગર્વ વ્યકત કર્યું હતુ. ભાજપના આમે માથુરે સશસ્ત્રદળના સાહસને સલામ પાઠવ્યા હતા જયારે જનરલ બક્ષીએ આ હુમલા બાદ દેશની છાતી ૫૮ ઈંચની થઈ ગયાની લાગણી વ્યકત કરી હતી.