આજે ભાજપ દ્વારા ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. કમલમ ખાતે ભાજપના 156 MLA હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાતમાં નવી સરકારમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવ્યા છે. કમલમ ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસ્તાવ મુક્યો હતો અને શંકર ચૌધરી,પૂર્ણેશ મોદી, રમણ પાટકર, મનીષા વકીલે ટેકો જાહેર કર્યો હતો.
શુકવારે ભુપેન્દ્ર પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારે આજ રોજ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. નવી સરકારની રચનાની કવાયત ચાલી રહી છે. સોમવારે 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. તેમની શપથ વિધિમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે તેવી શક્યતા છે.
આગામી સોમવારે નવી સરકારની શપથવિધી યોજાવાની છે. નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના પ્રતિક પરથી જીતેલા 14 નેતાઓને મજબૂત દાવેદારો માનવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને 7 થી 8 મંત્રીઓ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
જે પૈકી બે મંત્રીઓને કેબિનેટનો દરજ્જો અપાશે. જ્યારે પાંચ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.