પોસ્ટ ઓફિસ અને પોસ્ટ કાર્ડ અને પોસ્ટ મેનનો એક યુગનો અંત આવ્યો છે ત્યારે પણ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ ગ્રાહકો સાથે છાશવારે દુર્વ્યવહારથી ચર્ચામાં આવે છે. સરકારી કચેરીઓમાં આજે પણ ટપાલો મોકલવાનું પોસ્ટ ઓફિસ મારફતે ચાલું રાખવામાં આવેલ છે જેને કારણે પાન કાર્ડ, ચેક બુક, ડ્રાઈવીગ લાયસન્સ, નોકરીના કોલ લેટર, ટેલિફોન બીલ અને વાહનોની આર સી બુક જેવાં કિંમતી દસ્તાવેજો પોસ્ટ મારફતે આવતાં હોય છે. ત્યારે ડિલેવરી કરનાર પોસ્ટ મેનની મનમાનીના કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થતાં હોય છે.
કેશોદના રહીશ સંજયભાઈ સવદાસભાઈ બળેજાએ ખરીદ કરેલાં વાહનની આર સી બુક રજીસ્ટર પોસ્ટથી આવેલ હતી. જે મેળવવા કેશોદ પોસ્ટ ઓફિસ ખાતે જતાં યમુના મહારાણી સોસાયટી વિસ્તારના પોસ્ટમેન હીરાભાઈ કચરાભાઈનો સંપર્ક કરી હાજર હોવાં છતાં ચાર વાગ્યે આવવાનું કહેતાં મહિલા અધિકારીને રજુઆત કરતાં તેઓએ તો લાજવાને બદલે ગાજ્યા અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.
કેશોદના સંજયભાઈ સવદાસભાઈ બળેજાએ પોતાને થયેલાં ખરાબ અનુભવથી જુનાગઢ અને અમદાવાદ હેડ પોસ્ટ ઓફિસ માં લેખિતમાં ફરિયાદ કરી છે. કેશોદ પોસ્ટ ઓફિસનાં મહિલા અધિકારી અગાઉ પણ વિવાદમાં આવેલ હતાં છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. કેશોદના વેપારીઓ, બેરોજગાર યુવાનો અને શહેરીજનો પોસ્ટ વિભાગની મનમાનીનાં ભોગ બની રહ્યાં છે ત્યારે પગલાં ભરવામાં આવશે ખરાં.