કાસમ તારી વિજળી મધદરીયે વેરણ થઇ!!

ભારતના મોટાભાગના અણુમથકો પશ્ચિમ ઘાટ પર જ સ્થિત; સુનામી સર્જાશે તો ગંભીર પરિણામો ઉદભવશે

કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ… વૈતરણા નામનું જહાજ માંડવીથી મુંબઈ જઈ રહ્યું હતુ તે દરમિયાન સૌરાષ્ટ્રના ઓખામાં વાવાઝોડુ ઉપડતા તે મધદરિયે પાણીમાં ગરકાવ થઈ ગયું હતુ. આ દુર્ઘટના ૮ ડિસેમ્બર ને ૧૮૮૮માં ઘટી હતી. આ જહાજને ‘ગુજરાત ટાઈટેનિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દુર્ઘટનામાં આશરે ૭૪૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેના સ્મરણ માત્રથી આજે પણ કમકમાટી થઈ ઉઠે છે. ત્યારે આવી ભયાનક આફતોનો ભય વધુને વધુ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને સંપૂર્ણ પશ્ર્ચિમ ઘાટ પર મંડરાઈ રહ્યો છે. અરબસાગરની સુનામી સૌરાષ્ટ્ર-કચ્છને તહસનહસ કરી દેશે તેવી ભીતિ તોળાઈ રહી છે.

ભારતમાં સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો એકલુ ગુજરાત ધરાવે છે. ત્યારે આ દરિયાકિનારે ઉદભવતી કુદરતી આફતોનો ભય પણ સૌથી વધુ ગુજરાત પર જ મંડરાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપના આંચકાના બનાવમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ ધરતીકંપના વારંવાર આંચકા પાછળ અરબસાગર જ કારણભૂત પરિબળ છે. ત્યારે તાજેતરમાં બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં તેમણે અરબસાગરમાં ઉદભવનારી સુનામીની સૌરાષ્ટ્ર-કચ્છ અને સંપૂર્ણ પશ્ર્ચિમઘાટ ઉપર મંડરાઈ રહેલા ખતરા પર સ્પષ્ટ વાત ક્રી છે.

બેંગ્લોર સ્થિત જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટીફીક રીસર્ચના સી.પી. રાજેન્દ્રએ જણાવ્યું છે કે જો ૯ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો તે અરબી સમુદ્રમાં ભયાનક મોજા ઉછાળશે અને મોટી સુનામીને નોતરશે તેમણે વર્ષ ૧૯૪૫માં કચ્છના મેકરણમાં થયેલા ભૂકંપ પર પ્રકાશ પાડતા કહ્યું કે અમે આ દુર્ઘટના પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા છે. ૧૯૪૫માં ૮.૧ની તીવ્રતાના ભૂકંપે મોટી જાનહાની સર્જી હતી જેનાથી કચ્છમાં ‘અલ્લાહબંધ’નું નિર્માણ થયું હતુ.

હાલની સ્થિતિમાં ધરતીનાં સતત વધી રહેલા તાપમાન અને જળવાયું પરિવર્તન જેવા કલાઈમેન્ટ ચેન્જના પડકારોને કારણે આવી કુદરતી આફતોનો ભય વધુ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્કમાં જળવાયું પરિવર્તન પરના સંયુકત રાષ્ટ્રના શિખર સંમેલન અગાઉ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતુ કે, ધરતીનું તાપમાન ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે.

કાર્બન ડાઈઓકસાઈડના ઉત્સર્જનમાં ધણો વધારો થતાં દરિયાઈ જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ભારતનાં પૂર્વીય ઘાટ કરતાં પશ્ર્ચિમ ઘાટ પર વધુ ભય દર્શાવ્યો છે. કારણ કે આ પશ્ર્ચિમ ઘાટ પૂર્વીય દરિયા કિનારાની જેમ ઉંચા નથી.

ભારતમાં સૌરાષ્ટ્રનાં દ્વારકા, સુરતથી લઈ કેરળના કોચી સુધી પથરાયેલા દરિયાકાંઠે વિવિધ પ્લાન્ટ સ્થપાયેલા છે.તેમાં પણ ખાસ કરીને ન્યુકિલયર પાવર પ્લાન્ટ (અણુ મથકો) વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે. જો સુનામીની સ્થિતિ સર્જાઈ તો આ અણુમથકોને કારણે ભારતમાં જે સ્થિતિ સર્જાઈ તેની વિચારણા કરવી પણ મુશ્કેલ છે. આ ગંભીર સ્થિતિના પરિણામો અતિ ગંભીર આવી શકે છે.

રાજકોટ જિલ્લામાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ: કોઇ જાનહાની નહીં

earthquake reuters big 1

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે ૩.૪૯ મીનીટે વધુ એક વખત ભૂકંપના આંચકા સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રદેશોમાં નોંધાયા છે. બપોરનાં સમયે આવેલો આ આંચકો ૪.૧ની તીવ્રતાનો હતો.ભૂકંપનું કેન્દ્રબીંદુ ઉપલેટાથી ૨૫ કિલોમીટર દૂર નોંધાયું છે. વર્ષ ૨૦૦૧નાં ભૂકંપ બાદ મોટી ફોલ્ટલાઈન સક્રિય થઈ છે. આથી સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. વર્ષ ૨૦૦૧ બાદ ૫ થી ૬ની તીવ્રતાના ૨૫ ભૂકંપના આંચકા નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.