નવી સંસદમાં પહોંચતાની સાથે જ મોદી સરકારના કાયદા મંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ ’નારી શક્તિ વંદન એક્ટ’ રજૂ કર્યું.  2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બિલ નરેન્દ્ર મોદી સરકારનો ’માસ્ટરસ્ટ્રોક’ છે.  આ બિલ દ્વારા પીએમ મોદીએ દેશની અડધી વસ્તી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.  લોકસભામાં આ બિલ રજૂ કરતા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે આ બિલ કાયદો બનતાની સાથે જ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટો આરક્ષિત થઈ જશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ રમતગમતથી લઈને સ્ટાર્ટઅપ સુધીના જીવનના વિવિધ પાસાઓમાં ભારતીય મહિલાઓ દ્વારા આપવામાં આવેલ યોગદાનને જોઈ રહ્યું છે.  નારી શક્તિ વંદન અધિનિયમ એ સુનિશ્ચિત કરશે કે વધુ મહિલાઓ સંસદ, વિધાનસભાની સભ્ય બને.

સીમાંકન બાદ બિલ લાગુ થઈ શકે, જેની અમલવારીમાં હજુ પાંચ વર્ષથી વધુ સમય થઇ શકે છે: એસસી-એસટી બેઠકોમાં પણ 33 ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવી પડે: કાયદાની મુદત 15 વર્ષની, ત્યારબાદ મુદત વધારવી પડશે

નારી શક્તિ વંદન અધિનિયમ’ સંસદની નવી ઇમારતમાં રજૂ થનારું પહેલું બિલ છે. બિલ રજૂ કરતાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીમાંકનની કવાયત હાથ ધરાયા પછી જ મહિલા આરક્ષણ બિલ અમલમાં આવી શકે છે.

આનો અર્થ એ થયો કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બિલ લાગુ કરી શકાશે નહીં. હાલના કાયદા મુજબ, આગામી સીમાંકનની કવાયત 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી પછી જ હાથ ધરવામાં આવી શકે છે. આનો અસરકારક અર્થ એ છે કે બિલ ઓછામાં ઓછા 2027 સુધી કાયદો બની શકશે નહીં. કેટલાક અહેવાલોએ સૂચવ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલા ક્વોટા લાગુ થઈ શકે છે.

બંધારણીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર થયા પછી, તેને કાયદો બનવા માટે ઓછામાં ઓછી 50 ટકા રાજ્યોની એસેમ્બલીઓએ પણ મંજૂરી આપવી પડશે. રાજ્ય વિધાનસભાઓ દ્વારા મંજૂરી જરૂરી છે કારણ કે તે રાજ્યોના અધિકારોને અસર કરે છે.

એકવાર ખરડો અધિનિયમ બની જાય પછી, ગૃહ/વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કુલ બેઠકોમાંથી, 33% આ સમુદાયોની મહિલાઓ માટે અલગ રાખવામાં આવશે.

એકવાર તે કાયદો બની ગયા પછી, કાયદો 15 વર્ષ માટે અમલમાં રહેશે. તેની મુદત વધારી શકાય છે. દરેક સીમાંકન કવાયત પછી મહિલાઓ માટે અનામત બેઠકો ફેરવવામાં આવશે.

લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 82 થી વધી 181 થઈ જશે

આ બિલની જોગવાઈઓ અનુસાર, લોકસભાની 543 સીટોમાંથી 181 સીટો હવે મહિલાઓ માટે આરક્ષિત હશે. જે હાલ માત્ર 82 છે. કાયદા મંત્રીએ કહ્યું કે અનામતની જોગવાઈ 15 વર્ષ સુધી અમલમાં રહેશે.  તે પછી સંસદે તેનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવાનો રહેશે.  આ બંધારણનું 128મું સંશોધન બિલ છે.  ’નારી શક્તિ વંદન એક્ટ હેઠળ, એસસી-એસટી કેટેગરીની મહિલાઓ માટે અલગથી અનામત વ્યવસ્થા નહીં હોય.  પરંતુ એસસી-એસટી કેટેગરી માટે અનામત બેઠકોમાંથી હવે 33 ટકા મહિલાઓ માટે અનામત રહેશે.  બિલમાં ઓબીસી મહિલાઓ માટે અલગથી અનામતની જોગવાઈ નથી.  તેમને બિન અનામત બેઠકો પર જ ચૂંટણી લડવી પડશે.

પછાત મહિલાઓને સમાન તક નથી મળતી: ખડગેના નિવેદનથી હોબાળો

રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલવા આવ્યા હતા.  મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું પછાત જાતિની મહિલાઓને સમાન તકો મળતી નથી જે અન્ય લોકોને મળે છે. આ નિવેદન પર શાસક પક્ષે હોબાળો શરૂ કર્યો હતો.  નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- દેશના રાષ્ટ્રપતિ કોણ છે?  તે આદિવાસી સમાજમાંથી આવતી મહિલા છે.  તમે જે પક્ષના પ્રમુખ છો, તેના ઘણા વર્ષોથી માત્ર એક મહિલા પ્રમુખ છે. સરકાર અને વિપક્ષ વચ્ચેના લાંબા હોબાળા બાદ પણ ખડગેએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.