સોશીયલ મીડિયામાં કોંગ્રેસના ટોચના મહિલા નેતા પ્રિયંકા ગાંધી વિશે અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવી હોવાની ઘટનાને મહિલા કોંગ્રેસે વખોડી કાઢી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન આપતી વેળાએ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા.
તાજેતરમાં કોંગ્રેસ દ્વારા મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે તેઓની રાજકીય કારકિર્દીને તેમજ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે અભદ્ર ટીપ્પણીઓ સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. ખાસ કરીને ટવીટર પર પ્રિયંકા ગાંધીના ફોટા સાથે અશ્લીલ લખાણોની પોસ્ટ ટીખણખોર તત્વો દ્વારા અપલોડ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
મહિલા કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે, પ્રિયંકા ગાંધી સામે અભદ્ર ટીપ્પણીઓ કરવાની ઘટનામાં યોગ્ય તપાસ કરવામાં આવે અને ટીખણખોર તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આવેદન આપતી વેળાએ મોટી સંખ્યામાં મહિલા કોંગી કાર્યકરો કમિશનર કચેરીએ ઉમટયા હતા.