અજીબો ગરીબ શોખે યુવાનને બનાવ્યો ‘ધનવાન’ ને ‘સફળ’
મિશ્રનો યુવાન એક ગ્રામ ઝેર 73 લાખના ભાવે વેચે છે
આપણામાં એક કહેવત છે કે ‘ઝેર’નું મારણ ‘ઝેર’ પણ મિશ્રના એક યુવાને ‘ઝેર’ને ‘ઝેર’નું મારણ નહીં પણ ‘કમાણી’નું સાધન બનાવી દીધું છે. તેના અજીબોગરીબ શોખે તેને ‘ધનવાન’ અને ‘સફળ’ બનાવી દીધો છે.
સમાજમાં કેટલાક માણસો ઝેરીલા હોય છે જે બીજાનું સારૂ ઈચ્છતા નથી કે જોઈ શકતા નથી અને ઈર્ષા કરતા હોય છે. પણ અહી આપણે વાત કરવાની છે. ‘ઝેર’ની અને એ પણ એક એવા યુવાનની જેના અજીબો ગરીબ શોખે જ તેને ધનવાન અને સફળ બનાવ્યો છે.
દુનિયામાં કેટલાય લોકો એવા છે જેના શોખ વિચિત્ર હોય છે. મિશ્રનો 25 વર્ષિય યુવાન મોહમદ હામ્દી બોસ્તા આવા લોકોમાંનો એક છે.મિશ્રના રણવિસ્તાર અને તમારાના વિસ્તારોનાં વિંછી પકડવાના શોખને લીધે કેટલાક વર્ષો પહેલા મોહમદ હામ્દીને આર્કિયોલોજીના સ્નાતકનો અભ્યાસ અડધો જ છોડી દીધો હતો. તે આ વિંછીના ઝેરને કાઢતો હતો આ ઝેર દવા બનાવવામાં વપરાય છે. 25 વર્ષની ઉંમરે મોહમદ હમ્દી ‘કાયરો વેનમ કંપની’નો માલિક બની ગયો છે. આ એક એવો પ્રોજેકટ છે જયા અલગ અલગ જાતિના 80 હજારથી વધુ વિંછી અને સાપ રાખવામા આવ્યા છે. આ સાપ અને વિંછીનું ઝેર કાઢીને દવા બનાવતી કંપનીઓને વેચવામાં આવે છે.
મોહમદ હામ્દી બોસ્તા વિંછીનું ઝેર યુરોપ અને અમેરિકામાં વેચે છે. જયાં તેનો ઝેર વિરોધી ડોઝ બનાવવા તથા હાઈપર્ટેન્શન જેવી તમામ બિમારીઓની દવા બનાવવામાં થાય છે. વિંછીનું એક ગ્રામ ઝેર વેચવાથી તેને 10 હજાર અમેરિકી ડોલર એટલે કે લગભગ 73 લાખ રૂપીયા મળે છે.
તમને એ જણાવીએ કે અમેરિકામાં દર વર્ષે લગભગ 80 હજાર લોકોનાં ઝેરીલા નાગ કે વિંછી કરડવાથી મોત થાય છે.
ઝેરીલા જીવો કરડવાથી માનવીને તુરત જ ઈલાજની જરૂર પડે છે. પણ દુર્ભાગ્યવશ ઝેર વિરોધી દવાનું બજાર બહુ નાનું છે. અને એટલે જ આવી દવાઓનાં ભાવ બહુ જ ઉંચા છે.
એક ગ્રામ ઝેરમાંથી બને છે 50 હજાર ઝેર વિરોધી ડોઝ
વિંછીના એક ગ્રામ ઝેરમાંથી લગભગ 20 હજારથી 50 હજાર એન્ટીવેનમ (ઝેર વિરોધી) ડોઝ બનાવી શકાય છે. એન્ટીવેનોમ દવા તૈયાર કરવામાં ઝેરની માત્રામાં ખૂબજ સાવધાની રાખવામાં આવે છે.
કેવી રીતે કઢાય છે ઝેર?
યુવી (અલ્ટ્રાવાયોલેટ લાઈટ)ની મદદથી પકડેલા વિંછીમાંથી ઝેર બહાર કાઢવા હળવો ઈલે. શોક આપવામા આવે છે. ઈલે. શોક લાગતા જ વિંછીનું ઝેર બહાર આવી જાય છે. અને તેનો સંગ્રહ કરી લેવામાં આવે છે.