• જ્ઞાનવત્સલ સ્વામી, સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાંગડ, ટી બોર્ડના પૂર્વ વાઇસચેરમેન બિદયાનંદાજીની પ્રેરક ઉપસ્થિતિ
  • રાજ્યભરના ચાના વેપારી સહીત સિલીગુડીથી એમ.બી.ના હોદેદારો રહ્યા હાજર
  • 49મી સાધારણ સભામાં સંસારી ચાના મનીષ પટેલને નવા પ્રમુખ તરીકે નિયુક્તિ

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની 49મી વાર્ષિક સામાન્ય સભા ગઈકાલે યોજાઈ હતી. જેમાં મહેમાન તરીકે બીએપીએસના સંત જ્ઞાનવત્સલ સ્વામી, સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાંગડ, ટી બોર્ડના પૂર્વ વાઇસચેરમેન બિદયાનંદાજીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત રાજ્યભરના ચાના વેપારીઓની સાથોસાથ સિલીગુડીથી એમ.બી. ગ્રુપના હોદેદારો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ચાને રાષ્ટ્રીય પીણું ઘોષિત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ દિશામાં જે પણ કરવું પડે તેની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. મિટિંગમાં ગુજરાત ભરમાંથી તમામ ચાના વેપારીઓ અને તમામ પેકેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગની અંદર ચા ને લગતા મુદ્દાઓ અને પડકારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચાનું પ્રોડક્શન અને સપ્લાય આ બંને વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી. ચા ની ક્વોલિટી અને આવનારા દિવસોમાં ચાનુ પ્રોડક્શન અને નવી સિઝન કેવી રહેશે તેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગને એમબી ગ્રુપના નરેશકુમાર બંસલે સીલીગુરીથી સ્પોન્સર કરેલ હતી.

બેઠકમાં ચર્ચાયેલ મુદ્દા અંગે જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ચાને રાષ્ટ્રીય પીણું ઘોષિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પેસ્ટીસાઈડથી ઘટતી ચાની ગુણવતા, કલાયમેટ ચેન્જથી ઉત્પાદન અને ગુણવતા પર થતી અસરો તેમજ શ્રમિકોની અછત અને ફૂડ સેફટીના નવા ધારાધોરણો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના નવા પ્રમુખ તરીકે સંસારી ચાના મનીષભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.

ચાનું સેવન પ્રતિ વ્યક્તિ 1 કિલોગ્રામ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક : બિદયાનંદાજી

ટી બોર્ડ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન અને નોર્થ – ઇસ્ટર્ન ટી એસો.ના સલાહકાર બિદયાનંદાજીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અસમથી આવું છું જે ભારતમાં થતાં કુલ ચાંના ઉત્પાદનમાં અડધોઅડધ હિસ્સો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ચાનું સૌથી વધુ ઉત્પાદન અસમમાં થાય છે જયારે ચા સૌથી વધુ પ્રસિદ્ધ પીણું ગુજરાતમાં છે જેથી અસમ અને ગુજરાતનો નાતો ખુબ જ ગાઢ છે. તેમણે કહ્યું હતું કે, ચાંને લઈને અમારું લક્ષ્યાંક એવુ છે કે, ચાના સેવનમાં ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમાંકે આવતો દેશ છે ત્યારે ભારત પ્રતિ વ્યક્તિ ચાનું સેવન એક કિલોગ્રામ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે હાલ 840 ગ્રામ છે. આ લક્ષ્યાંક સિદ્ધ થતાં ચા ઉદ્યોગમાં જે પ્રશ્નો છે તેનું મહદઅંશે નિરાકરણ આવી જશે તેવું મારૂ માનવું છે. તેમણે ચા ઉદ્યોગના પડકારો વિશે જણાવતા કહ્યું હતું કે, સૌથી મોટો પડકાર કલાયમેટ ચેન્જ છે, ત્યારબાદ શ્રમિકોની અછત અને ત્રીજો પડકાર ફૂડ સેફટીના નવા ધારાધોરણો એમ આ ત્રણ પડકાર છે. તેમણે કહ્યું હતું કે, કલાયમેટ ચેન્જને લીધે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેના લીધે ચાની ગુણવતાને સીધી અસર પહોંચતી હોય છે. તેમણે કહ્યું હતું કે, ચાને રાષ્ટ્રીય પીણું જાહેર કરવા માટે કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો કરી રહ્યા છીએ.

પાંચ વર્ષમાં ઉત્પાદન ચાર કરોડ કિલોગ્રામ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક : આયુષ બંસલ

એમ બી ગ્રુપના આયુષ બંસલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે સિલિગુરી- બંગાળથી આવીએ છીએ. તેમણે 49 વર્ષથી કાર્યરત ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ તેમણે એમ બી ગ્રુપ અંગે જણાવતા કહ્યું હતું કે, એમ બી ગ્રુપ ચાના વિક્રેતાઓ માટે વન સ્ટોપ સોલ્યુસન જેવું માધ્યમ છે. હાલ અમે વાર્ષિક બે કરોડ કિલો ચાનું ઉત્પાદન કરીએ છીએ અને આગામી પાંચ વર્ષમાં અમે ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમારી પાસે 24 જેટલી બ્રાન્ડ ઉપલબ્ધ છે. ભારતના અગ્રેસર પેકેટીયર્સ જેવા કે, ટાટા, હિન્દુસ્તાન યુનિલીવર, વાઘ બકરી, ઉમિયા ચા, નીલમ ચા જેવા વિક્રેતા પણ અમારી પાસે ખરીદી કરે છે.\

પેસ્ટીસાઈડની સમસ્યાનો નિકાલ લાવવા અનેક મુદ્દે ચર્ચા : દિનેશભાઇ કારિયા

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના તત્કાલીન પ્રમુખ દિનેશભાઇ કારીયાએ જણાવ્યું હતું કે, 1976 માં સ્થાપિત ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની 49મી વાર્ષિક સાધારણ સભા રાજકોટના આંગણે યોજાઈ છે. 6 વર્ષ સુધી પ્રમુખ થયાં બાદ સાધારણ સભામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સાધારણ સભામાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી સૌથી મોટો મુદ્દો પેસ્ટીસાઈડનો હતો. વાતાવરણ બદલાવું તેમજ અનેકવિધ રોગોના લીધે ચાના ઉત્પાદનમાં પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે પેસ્ટીસાઈડના ઉપયોગ બાદ પ્રથમ પત્તીનો ઉપયોગ કરવાનો ન હોય પણ અમુક ઉત્પાદકો આ પત્તીનો ઉપયોગ કરી ચા બનાવતા હોય છે જે ગુણવતાવિહીન હોય છે. હવે તકલીફ ત્યાં ઉભી થાય છે કે, અલગ અલગ ચાના અલગ અલગ ફાયદાઓ હોય છે. કોઈ ચામાં લીકર સારૂ આવતું હોય છે તો કોઈનો ટેસ્ટ અલગ હોય છે જેથી અમે અલગ અલગ ચાનું બ્લેન્ડ કરીને પેકેટ તૈયાર કરતા હોય છે. ત્યારે અમને ખબર નથી હોતી કે, કંઈ ચા પેસ્ટીસાઈડયુક્ત છે ત્યારે ચાની ગુણવતાને અસર થઇ જતી હોય છે. ત્યારે આ મુદ્દાના નિરાકરણ માટે હાલ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ને નંબર વન તરીકે જાળવી રાખવાની નેમ : મનીષભાઈ પટેલ

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના નવનિયુક્ત પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે આ દેશનું પ્રથમ ક્રમાંકનું ટી ટ્રેડર્સ એસો. છે. હાલ સુધીના જેટલાં હોદેદારો છે તેમણે એસોસિએશનને દેશનું નંબર એસોસિએશન તરીકે જાળવી રાખ્યું છે અને હવે આ જવાબદારી મારી છે. હું આ એસોસિએશનને નવી ઊંચાઈ સુધી લઇ જવાનો પ્રયત્ન કરીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નો કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં તમામ સંગઠનોને સાથે રાખીને પેસ્ટીસાઈડની સમસ્યાનું નિકાલ લાવવા પ્રયત્નો કરીશું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.