૧૦ હજારથી વધુ લોકો જોડાયા: ડો.કમલેશ જોષીપુરાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં સંત ભાનુપ્રકાશજી, નિર્લેપસ્વામી તથા જીયરસ્વામીની પ્રેરક ઉપસ્થિતિ
મદુરાઈ અને તામીલનાડુના વિવિધ વિસ્તારોમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાયનો વિરાટ કાર્યક્રમ મદુરાઈ ખાતે યોજાયો હતો. સૌરાષ્ટ્રીયન સમુદાયના સંત નદનગોપાલ નાયકીની ૧૭૫મી જન્મજયંતી નિમિતે આયોજીત આ કાર્યક્રમમાં ૧૦ હજારથી વધારે સૌરાષ્ટ્રીયન સમુદાયના ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને સમુદાય સાથે સંકલનની જવાબદારી વહન કરતા ડો.કમલેશ જોશીપુરાના મુખ્ય મહેમાનપદે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાતના સ્વામિનારાયણ સંત ભાનુપ્રકાશજી (પોરબંદર) અને નિર્લેપસ્વામી (આણંદ) તેમજ સુવિખ્યાત રંગનાથ સ્વામી મઠના રામાનુજાચાર્ય પંથના જીયરસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સર્વનન તેમજ કાર્યક્રમના મુખ્ય સંયોજક રામાસુબ્રમણ્યમે અને ટીમે ગુજરાતથી આવેલા સર્વે મહાનુભાવોનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સ્વામિનારાયણ સંતો ભાનુપ્રકાશજી અને નિર્લેપ સ્વામીએ મદુરાઈ ખાતે સીબીએસસી સ્ટાન્ડર્ડ સાથે વિશાળ શાળાકીય સંકુલ નિર્માણ કરવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો.
કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, વાર્ષિક ઉત્સવ સમાન આ કાર્યક્રમમાં ૫ જેટલી સંકલ્પના કરવામાં આવી હતી. પ્રથમ એટલે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન સવિશેષ રીતે સૂર્ય ઉર્જા તેમજ વૈકલ્પિક ઉર્જા સહિતના અનેક ક્ષેત્રોમાં સમજુતિ કરાર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વિન્ડ ફાર્મ પ્રસ્થાપિત કરશે. બીજું એટલે સમગ્ર ૨૦૧૯ના વર્ષ દરમ્યાન પાંચ હજાર જેટલા સૌરાષ્ટ્રીયન સમુદાયના ભાઈ-બહેનો વિવિધ તબકકે સોમનાથની યાત્રાએ આવશે. ત્રીજુ એટલે ૨૦૧૯ના વર્ષ દરમ્યાન પુરાતત્વવિદો અને ઈતિહાસવિદોને એકત્ર કરી અને સૌરાષ્ટ્રીયન સમુદાયના સામુહિક સ્થળાંતર સંદર્ભે દસ્તાવેજીકરણ કરવું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં નિયમિત સ્વ‚પે શૈક્ષણિક આદાન-પ્રદાન અને એન.આર.જી.ફાઉન્ડેશનનું સભ્યપદ સહિતના અગત્યના નિર્ણય લેવાયા હતા. મુખ્ય સંયોજક ટી.આર.પ્રકાશકુમાર, આનંદબાબુ, પ્રેમકુમાર, વિજયકુમાર, શ્રીનિવાસનજી, વિજય રંગન તેમજ કે.કે.વી સહિતના અગ્રણીઓએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સ્વામીનારાયણ સંત ભાનુપ્રકાશજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્ણ રીતે વૈદિક સંસ્કૃતિને પ્રતિબઘ્ધ આ સમુદાય સાચા અર્થમાં પોતાની ઓળખ જાળવી શકયો છે અને સાંસ્કૃતિક ગરિમાને કાયમ રાખી છે, યુવા પેઢીમાં શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધે તે અર્થે આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે. મધ્ય ગુજરાત ખાતે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત નિર્લેપ સ્વામીએ સંસ્કૃતિ રક્ષા માટે આ સમુદાયને ખાસ અભિનંદન આપ્યા હતા. નિર્લેપ સ્વામીએ વિદ્યાર્થી ભાઈ-બહેનોને દર વર્ષે ૫૦-૫૦ના જુથોમાં શૈક્ષણિક આદાન-પ્રદાન માટે નિમંત્રિત કરવાની જાહેરાત કરી હતી.